સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારો જળબંબાકાર; આગામી 6 દિવસ 19થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
અમરેલી જિલ્લામાં બીજા દિવસે પણ અનરાધાર વરસાદથી ખેતરો અને રસ્તાઓ બેટમાં ફેરવાયા; આવતીકાલથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર.

Heavy rains in Saurashtra: રાજ્યમાં નૈઋત્યના ચોમાસાએ ગતિ પકડી છે અને છેલ્લા 48 કલાકથી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ધમરોળી રહ્યું છે. શનિવાર અને રવિવારે અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 6 દિવસ માટે રાજ્યના 19થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લો જળમગ્ન સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદે ભારે કહેર વર્તાવ્યો છે. જિલ્લામાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ચાલુ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે. સાવરકુંડલા તાલુકાના બાઢડા, કરજાળા, નેસડી, ઓળીયા, ઝીંઝુડા અને પીઠવડી જેવા ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજુલા શહેર અને ખાંભા ગીરના ભાડ, લાસા, તાતણીયા, દેવળીયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદને કારણે ખેતરો અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા, જેનાથી વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી. જોકે, સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને આકરી ગરમીમાંથી મોટી રાહત મળી છે.
આગામી 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જે મુજબ આગામી 6 દિવસ માટે વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયા છે.
આવતીકાલ (16 જૂન) માટે ઓરેન્જ અને યલો એલર્ટ:
- ઓરેન્જ એલર્ટ (ભારેથી અતિભારે વરસાદ): અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ.
- યલો એલર્ટ (ભારે વરસાદ): સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા.
17 જૂનની આગાહી:
- ઓરેન્જ એલર્ટ: ભાવનગર.
- યલો એલર્ટ: કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ.
18 અને 19 જૂનની આગાહી:
- 18 જૂને (યલો એલર્ટ): કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ.
- 19 જૂને (યલો એલર્ટ): ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર.
20-21 જૂનની આગાહી: આગામી 20 અને 21 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.





















