બનાસકાંઠાના વાવ, થરાદ, દિયોદર, ભાભર અને સુઈગામ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે.
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
Banaskantha Rain: વાવ-થરાદ અને દિયોદર પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરહદી વિસ્તારમાં વહેલી સવારથી જ ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

- બનાસકાંઠામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, શૈક્ષણિક કાર્ય બંધ.
- ભાભરમાં 9 ઇંચ વરસાદે દુકાનો-ઘરોમાં પાણી ઘૂસતાં નુકસાન થયું.
- દિયોદરમાં 6 ઇંચ વરસાદથી માર્ગો બંધ, અધિકારીઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.
Banaskantha Rain: વાવ-થરાદ અને દિયોદર પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરહદી વિસ્તારમાં વહેલી સવારથી જ ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભાભર અને દિયોદર સહિત સુઈગામ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જિલ્લા કલેક્ટર દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરવામાં આવી છે.
ભાભરમાં રાતભરમાં 9 ઇંચ વરસાદ: દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા
ભાભરમાં ગત મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદથી હાહાકાર મચી ગયો છે. વિસ્તારમાં રાતભરમાં અંદાજિત 9 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. માત્ર 4 કલાકમાં 5 ઇંચ અને 2 કલાકમાં 80 mm થી વધુ વરસાદ પડતાં ભાભરની મુખ્ય બજારો, લાટી બજાર અને ખાડિયા વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
લાતી બજારની દુકાનો તેમજ ખાડિયા વિસ્તારના અનેક ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ પ્રથમ વરસાદે જ ખોલી નાખી છે. દર વર્ષે ભરાતા પાણીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જ્યાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી કંટાળેલા લોકો ગાદલાની હોડી બનાવીને વિરોધ વ્યક્ત કરતા અને તરતા નજરે પડ્યા હતા.
દિયોદરમાં 6 ઇંચ વરસાદથી માર્ગો બંધ, વહીવટી તંત્ર સજ્જ
બીજી તરફ, દિયોદર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. દિયોદર પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારો તેમજ અન્ય નીચાણવાળા ભાગોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, દિયોદર મામલતદાર અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરી પાણીના તાત્કાલિક નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા ખાસ અપીલ કરવામાં આવી છે.
સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનો બીજા રાઉન્ડ શરૂ થયો છે, ગુજરાતમાં હાલમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે આજે સવારથી અત્યાર સુધીમાં 189 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં 23 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
Frequently Asked Questions
બનાસકાંઠાના કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે?
બનાસકાંઠામાં વરસાદને કારણે કયા શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યા છે?
જિલ્લા કલેક્ટર દ્વારા સુરક્ષાના કારણોસર તમામ પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
ભાભરમાં કેટલા ઇંચ વરસાદ નોંધાયો છે અને તેની શું અસર થઈ?
ભાભરમાં રાતભરમાં અંદાજિત 9 ઇંચ વરસાદ પડ્યો છે. જેના કારણે દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટું નુકસાન થયું છે.
દિયોદરમાં વરસાદને કારણે વહીવટી તંત્ર દ્વારા શું પગલાં લેવાયા છે?
દિયોદરના ધારાસભ્ય અને વહીવટી અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.





















