Gujarat Rain: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર રીતે એન્ટ્રી થઈ છે. આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર રીતે એન્ટ્રી થઈ છે. આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં થોડા દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે.
આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, સુરતમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ત્રણ દિવસ બાદ પણ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે
જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીરસોમનાથ, ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્રણ દિવસ બાદ પણ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 199 તાલુકામાં વરસ્યો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જાણકારી અનુસાર, 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં બેથી સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ રાજકોટના જામકંડોરણામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 77 તાલુકામાં એકથી પોણા છ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ 5.6 ઈંચ વરસાદ વરસ્યો હતો.
આ સિવાય સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઈંચ, જામનગરના જોડિયામાં ચાર ઈંચ, કચ્છના મુન્દ્રામાં ચાર ઈંચ, જામનગરના લાલપુરમાં 3.86 ઈંચ, રાજકોટના જેતપુરમાં 3.46 ઈંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.31 ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 3.31 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3.2 ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 3.2 ઈંચ, કચ્છના ગાંધીધામમાં 3.2 ઈંચ, તાપીના સોનગઢમાં 2.95 ઈંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 2.95 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 2.83 ઈંચ, રાજકોટના ગોંડલમાં 2.83 ઈંચ,મહેસાણાના વડનગરમાં 2.76 ઈંચ,જામનગરના કાલાવડમાં 2.7 ઈંચ,અરવલ્લીના ભિલોડામાં 2.6 ઈંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2.5 ઈંચ,જૂનાગઢના વંથલીમાં 2.48 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ, રાજકોટ શહેરમાં 2.5 ઈંચ, જૂનાગઢ શહેરમાં 2.36 ઈંચ, જૂનાગઢ તાલુકામાં 2.36 ઈંચ, બોટાદના રાણપુરમાં 2.32 ઈંચ, બનાસકાંઠાના ડીસામાં 2.2 ઈંચ, જૂનાગઢના કેશોદમાં 2.2 ઈંચ, તાપીના વ્યારામાં 2.13 ઈંચ વરસાદ વરસ્યો હતો.




















