ગુજરાતના એક IPS અધિકારી કેન્દ્રીય એજન્સીઓની રડાર પર, વતન સહિતના સ્થળોએ તપાસનો ધમધમાટ
સૂત્રોના જણાવ્યા અનુસાર SEBIની ટીમ દ્વારા નાણાકીય લેવડદેવડ અને મિલકત અંગે પૂછપરછ, શેરબજારમાં મોટી હેરાફેરીની આશંકા.

Ravindra Patel investigation: ગુજરાત રાજ્યના એક વરિષ્ઠ IPS અધિકારી અચાનક કેન્દ્રીય એજન્સીઓની તપાસના દાયરામાં આવી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ IPS અધિકારીના વતન અને તેમના નજીકના સબંધીઓના ગામોમાં પણ એક સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે રાજ્યના પોલીસ બેડામાં ભારે ચર્ચા અને ખળભળાટ મચી ગયો છે.
વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર તપાસની કામગીરી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ની એક વિશેષ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ટીમ દ્વારા IPS અધિકારી અને તેમના નજીકના સંબંધીઓની નાણાકીય લેવડદેવડ, બેંક ખાતાઓ અને તેમની પાસે રહેલી મિલકતો સહિતની તમામ બાબતોની ઝીણવટભરી તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કાર્યવાહી શેર બજાર અને કોમોડિટીમાં થયેલી કરોડો રૂપિયાની મોટી નાણાકીય હેરાફેરીને લઈને કરવામાં આવી છે.
સૂત્રોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, આ કેસ ગુજરાત કેડરના IPS અધિકારી રવિન્દ્ર પટેલ સાથે સંબંધિત છે. કેન્દ્રીય એજન્સીઓની વિવિધ ટીમો દ્વારા તેમના વતન મહેસાણા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રોધરા ગામે વહેલી સવારથી જ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રોધરા ગામમાં અધિકારીના પૈતૃક મકાન અને અન્ય સંપત્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ખેડબ્રહ્માના જ ગલોડીયા ગામે પણ તપાસ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. ગલોડીયા ગામમાં રહેતા IPS અધિકારીના સાળાની પણ કેન્દ્રીય એજન્સીઓની ટીમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની પાસેથી પણ IPS અધિકારી સાથેની નાણાકીય લેવડદેવડ અને મિલકતોને લગતી માહિતી મેળવવામાં આવી રહી છે.
આ કેસમાં વધુ એક ચોંકાવનારી વાત એ છે કે IPS રવિન્દ્ર પટેલના પિતા પણ આઈજી કક્ષાના નિવૃત IPS અધિકારી રહી ચૂક્યા છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીના પરિવારમાં આ પ્રકારની તપાસથી સમગ્ર પોલીસ વિભાગમાં આશ્ચર્ય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રોધરા ગામે કેન્દ્રીય ટીમોના તપાસનો ધમધમાટ દિવસભર ચાલુ રહ્યો હતો અને અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.
સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) જેવી કેન્દ્રીય એજન્સી દ્વારા રાજ્યના એક IPS અધિકારી સામે આ પ્રકારની કાર્યવાહી થવાથી રાજ્યના વહીવટી તંત્રમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલમાં તપાસ ટીમો દ્વારા તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે. જો કે, આ સમગ્ર મામલે હજુ સુધી કેન્દ્રીય એજન્સીઓ કે રાજ્ય સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ત્યારે જોવાનું એ રહે છે કે આ તપાસના અંતે શું તથ્યો સામે આવે છે અને આ કેસ કયો નવો વળાંક લે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
