Gujarat Rain: રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
તેમની આગાહી અનુસાર રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે.

- અંબાલાલ પટેલ: 19-21 એપ્રિલે પ્રિ-મોનસૂન વરસાદ થશે.
- 40-50 કિમી/કલાક પવન સાથે વિવિધ જિલ્લાઓમાં માવઠું.
- મેમાં ખતરનાક વાવાઝોડું, 11-20 મે વચ્ચે આંધી-વંટોળ.
- હવામાન વિભાગ: 19-20 એપ્રિલે મધ્યમ વરસાદની શક્યતા.
ગાંધીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠા અને કમોસમી વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. તેમની આગાહી અનુસાર રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે. મે મહિનામાં ખતરનાક વાવાઝોડું ફુંકાશે. ત્રણ દિવસ પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 19થી 21 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે.
રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે
વરસાદની સાથે રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. જો કે 25થી 29 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવા અને 29 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 11થી 20 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળનું પ્રમાણ વધશે. કાચા મકાનોના પતરા ઊડી જાય તેવો પવન ફુંકાવવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. 17 મેથી 20 જુન વચ્ચે બંગાળના ઉપસાગરમાં સિવિયર સાયક્લોનિક સિસ્ટમ બનવાની શક્યતાને પગલે ખતરનાક વાવાઝોડું ફુંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.
રાજ્યમાં વરસાદ અને માવઠાને લઈ હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં 18 થી 21 એપ્રિલ સુધી હવામાન શુષ્ક રહેશે. 19 અને 20 એપ્રિલે મધ્યમ વરસાદ શક્ય છે. અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર અને પંચમહાલ જિલ્લાઓમાં શુષ્ક હવામાનની અપેક્ષા છે. આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સ્વચ્છ રહી શકે છે.
19 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો મધ્ય ગુજરાતની મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 20 એપ્રિલે અમરેલી,ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 21 એપ્રિલે અમરેલી અને ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લાના છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે.
હાલ બે દિવસ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સુકુ રહેશે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પર પહોંચી ગયો છે. આજની વાત કરીએ તો રાજકોટમાં સૌથી વધારે 41.9 ડિગ્રી તાપમાન નોંધાયુ. જ્યારે સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી ગયો. અમદાવાદમાં 40.4 ડિગ્રી અને અમરેલીમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ભૂજમા 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી અને વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં ગરમીનો પારો 39.3 ડિગ્રી પર પહોંચ્યો છે.






















