જામનગર યૌન શોષણ કેસઃ બંને આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ, કેટલા દિવસના રિમાન્ડ થયા મંજૂર?
જીજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના HR મેનેજર અને એટેન્ડન્ટ સુપરવાઈઝરના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. એચઆર મેનેજર એલબી પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણની અટકાયત બાદ રિમાંડ માટે રજુ કરવામાં આવતા કોર્ટે ૪ દિવસના રિમાંડ ગ્રાહ્ય રાખ્યા હતા.
જામનગરઃ ગુજરાતમાં ભારે ચકચાર મચાવનારા જામનગર સરકારી કોવિડ હોસ્પિટલના યૌન શોષણ મામલે ગઈ કાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. મહિલા એટેન્ડન્ટસની જાતિય સતામણી મામલે ફરિયાદ નોંધાયા બાદ ઝડપાયેલા બંને આરોપીઓેને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. બંને આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જીજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના HR મેનેજર અને એટેન્ડન્ટ સુપરવાઈઝરના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. એચઆર મેનેજર એલબી પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણની અટકાયત બાદ રિમાંડ માટે રજુ કરવામાં આવતા કોર્ટે ૪ દિવસના રિમાંડ ગ્રાહ્ય રાખ્યા હતા.
રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર જામનગર સરકારી કોવિડ હોસ્પિટલના યૌન શોષણના મામલે પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોંધી છે. બી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનારની ફરિયાદને ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. સરકારે કેટલીક યુવતીઓના નિવેદન બાદ આ મામલે સ્થાનિક કક્ષાએ કમિટીની રચના પણ કરી હતી. કમિટી દ્વારા ૮ યુવતીઓ સહિતના લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. કમિટીની તપાસ બાદ ગત સાંજે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.
કોવિડ હોસ્પિટલના HR મેનેજર એલ.બી. પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણ સામે આઈપીસી 354 (ક), 114 અને 506(2) મુજબ ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓે સકંજામાં લઈ કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા એટેન્ડન્ટની ફરિયાદને આધારે એલ.બી. પ્રજાપતિ અને અકબરલીને ડિટેન કર્યા હતા. ફરિયાદમાં આ બે લોકોના નામ સામે આવ્યા છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ માટે 500 કરતાં વધુ અટેન્ડન્ટ્સની નિમણૂક કરાઇ હતી. જેમાંથી કેટલીક મહિલા અટેન્ડન્ટ્સ દ્વારા તેમના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. અટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરાતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો.
આ યૌન શોષણનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપ્યા હતા. ખુદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યપ્રધાને તપાસના આદેશ આપ્યા હતા. કલેકટર દ્વારા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની કમિટી રચવામા આવી હતી. કમિટીએ મહિલા એટેન્ડન્ટના નિવેદનો નોંધી રિપોર્ટ તૈયાર કર્યો હતો તેમજ સરકારને મોકલી અપાયો હતો. જોકે, પોલીસ ફરિયાદ ન થતા ગઈ કાલે મંગળવારે લાલબંગલા સર્કલમાં ધરણા પણ યોજાયા હતા.