ગુજરાતના કયા ગામમાં કૂવામાં રોટલો નાંખીને વરસાદનો વરતારો જોવાય છે? જાણો શું છે આ અનોખી પરંપરા?
અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વર્ષના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચન બાદ આ વિધિ સંપન થઇ હતી.
જામનગરઃ આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો વ્યાપ ક્યાય પહોચી ગયો છે, ત્યારે પણ ધાર્મિક પરમ્પરાઓને આજે કેટલાય લોકો અનુસરી રહ્યા છે, ત્યારે આવી જ એક પરંપરા આજથી નહી પણ વર્ષો વર્ષોથી જામનગર નજીક આમરા ગામે શરુ થયેલ જે આજે આજ દિવસ સુધી ચાલતી આવે છે, જામનગર નજીકના ‘આમરા’ ગામમાં રોટલાથી વરસાદનો વરતારો કરવાની પરંપરા છે. મનમાં સવાલ ઊભો થશે કે રોટલાથી વરસાદનો વરતારો કેવી રીતે આપી શકાય ? અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વર્ષના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચન બાદ આ વિધિ સંપન થઇ હતી.
જામનગર નજીક દ્વારકા ધોરીમાર્ગ પરના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે, ગામના સતવારા પરિવારના ઘરે બનેલ બાજરીનો રોટલો વાણંદના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે. કુવા કાઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવામાં આવે છે.
દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. જો પૂર્વ દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. આ વર્ષે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોવાનો આ વિધિ સાથે જોડાયેલા ગ્રામજનોનો દાવો છે.