Kutiyana: લોકોએ કહ્યું, આ ધારાસભ્ય અમને સોપી દો, ગ્રામજનોએ કહ્યું, ના ભાઈ, અમને આવા MLA માંડ મળ્યા છે
રાજકોટ: કુતિયાણાના ધારાસભ્ય ફરી ચર્ચામાં આવ્યા છે. વાત એમ છે કે, ધોરાજીમાં ભૂખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી ધારાસભ્ય કાંધલ જાડેજા સતત 11 વર્ષથી પોતાના સ્વખર્ચે છોડાવી રહ્યા છે.
રાજકોટ: કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ચર્ચામાં આવ્યા છે. વાત એમ છે કે, ધોરાજીમાં ભૂખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સતત 11 વર્ષથી પોતાના સ્વખર્ચે છોડાવી રહ્યા છે. આ વર્ષે પણ પોતાના ખર્ચે પાણી છોડાવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. એને લઈને ખેડૂતો તેમજ ભાદર નદી કાંઠાનાં ગામોને અને ઘેડ પંથકને મોટો લાભ મળશે. આજે પાણી છૂટતાં જ ઘેડ પંથકના આગેવાન બચુભાઈ કુછડિયાએ જણાવ્યું હતું કે, ઘણા લોકો કહે છે કે અમને આ ધારાસભ્ય આપી દ્યો, પણ અમે કહીએ છીએ કે ભાઈ, અમને આવા ધારાસભ્ય માંડ મળ્યા છે. દર વર્ષે 82 કિમીના એરિયામાં ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે.
82 કિમીના વિસ્તારના લોકોને થાય છે ફાયદો
કુતિયાણા બેઠકના ધારાસભ્ય કાંધલ જાડેજા છેલ્લાં 11 વર્ષથી પોતાના સ્વખર્ચે ઘેડ પંથકના ખેડૂતો માટે સિંચાઈનું પાણી ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાથી છોડાવી રહ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ઘેડ પંથક સહિતના ખેડૂતોની વહારે આવી સેવાકીય કાર્ય કરી રહ્યા છે. કાંધલ જાડેજા દ્વારા ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલા ભાદર-2 ડેમ ખાતે પોતાના સ્વખર્ચે પૈસા ભરીને પાણી છોડાવીને તેમના વિસ્તારના ખેડૂતોને દર વર્ષે મદદ કરે છે. ત્યારે આ પાણી છોડવામાં આવતાં ધોરાજી, ઉપલેટા, કુતિયાણા સહિત ઘેડ અને પોરબંદર સહિત 82 કિમીના વિસ્તારના ભાદર કાંઠા અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો, માલધારીઓ સહિત સૌ કોઈને ફાયદો મળે છે.
ઘેડ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ
કુતિયાણા બેઠકના ધારાસભ્ય ધારાસભ્ય કાંધલ જાડેજાના મતવિસ્તારના આગેવાનો સિંચાઈ વિભાગની ઓફિસમાં રૂપિયા સાડા ત્રણ લાખ જેવી રકમ ભરીને ભાદર-2 ડેમમાંથી ઘેડ પંથકોના ખેડૂતો માટે સિંચાઈનું પાણી મળી રહે અને ખેડૂતોને લાભ થાય એ માટે દર વર્ષે અહીંથી પાણી છોડાવે છે. એમાં ભાદર-2 ડેમના ત્રણ દરવાજા ખોલીને 16,000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. એને લઈને હાલ ભાદર કાંઠાના અને ખાસ કરીને ઘેડ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ઘેડ વિસ્તારના આગેવાન બચુભાઈ કુછડિયાએ જણાવ્યું હતું કે અમે છેલ્લાં 15 વર્ષથી આ ડેમ પર આવીએ છીએ અને પાણી છોડાવીએ છીએ. 2008માં ખેડૂતો પાસેથી ફાળો ઉઘરાવી પાણી છોડાવતા, પણ 2012થી કાંધલભાઈ જાડેજા પાણી છોડાવવાના તમામ રૂપિયા ભરે છે. બધા આગેવાનો અને સરપંચોને સાથે રાખી પાણી છોડાવે છે. અહીંથી કુતિયાણા પંથક 82 કિલોમીટર થાય છે, સાથે ધોરાજી અને ઉપલેટાનાં ગામડાંને પણ સાથો સાથ લાભ મળે છે.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાએ સળંગ ત્રીજી જીત મેળવી છે. કાંધલ જાડેજા બે વખત અહીંથી NCPમાંથી જીત્યા હતા. આ વખતે અહીં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ન થતાં કાંધલ જાડજાએ NCPમાંથી રાજીનામું ધરી દીધું હતું અને સમાજવાદી પાર્ટીમાંથી ઝંપલાવ્યું હતું, જેમાં તેમણે 26 હજાર 712 મતે જીત મેળવી હતી. કાંધલ જાડેજાની સામે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર હતા. એટલે કે અહીં ચોપાંખિયો જંગ હતો.