Kheda: ખેડામાં ફરી એકવાર અનાજ કૌભાંડ, ભાજપ કાઉન્સિલરની કરાઇ ધરપકડ
Kheda: દરોડામાં નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરિતિ ઝડપાઈ હતી
Kheda: ખેડાના નડિયાદમાં ગરીબોના અનાજને સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. નડિયાદના અમદાવાદી બજાર બહાર આવેલી સસ્તા અનાજની દુકાન પર પુરવઠા વિભાગની વિજલન્સ ટીમે દરોડો પાડ્યો હતો.
મોટાપાયે ગેરરિતિ થતી હોવાની માહિતીના આધારે પાડવામાં આવેલા દરોડામાં નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરિતિ ઝડપાઈ હતી. જેને લઈ શહેર મામલતદાર દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલક સંજયભાઈ સચદેવ અને કોમ્પ્યુટર ઓપરેટર રાજવીર છાસટીયા વિરૂદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ભાજપના કૌભાંડી કાઉન્સિલર સંજય સચદેવને ભાજપના તમામ હોદ્દા પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ભાજપે તમામ હોદ્દા પરથી હટાવ્યો
સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક સંજયભાઈ સચદેવ નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં 3ના ભાજપના કાઉન્સીલર અને નડિયાદ શહેર સસ્તા અનાજ એસોસિએશનના પ્રમુખ પણ છે. ગરીબોનું અનાજ સગેવગે કરવાનો પર્દાફાશ થતા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે સંજય સચદેવને ભાજપના તમામ હોદ્દા પરથી દૂર કરી દીધા હતા. પોલીસે સંજય સચદેવ અને ઓપરેટર રાજવીર છાસટીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
દરોડા દરમિયાન દુકાનમાંથી બોગસ ફિંગર પ્રિન્ટ મશીન અને અન્ય એક સોફ્ટવેર મળી આવ્યું હતું. જેના થકી સસ્તા અનાજના કાળો કારોબાર ચલાવાતો હતો. સ્ટેટ પુરવઠા વિભાગના દરોડામાં ડમી ફિંગરપ્રિન્ટના આધારે કૌભાંડ આચરવામાં આવતું હોવાની વિગતો બહાર આવવા પામી છે.
દુકાનમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી
દુકાનમાંથી મળી આવેલ લેપટોપમાં તેમજ પેનડ્રાઇવમાં તપાસ કરતા શકાસ્પદ અંદાજિત 316 ફિંગર પ્રિન્ટ ઇમેજીસ તથા માય ડેટા નામની મોબાઇલ એપ્લિકેશનના સ્ક્રીનશોટની અંદાજીત 2171 ફિંગર પ્રિન્ટ ઇમેજી મળી એમ કુલ અંદાજીત 2487 ફિંગર પ્રિન્ટ તસવીરો મળી આવી હતી. તેમજ દુકાનમાથી વધારાના 23 રેશનકાર્ડ, 1 ચૂંટણીકાર્ડ,4 આધારકાર્ડ, 1 લેપટોપ, 3 મોબાઈલ, મંત્રા ડિવાઇસ અને પેનડ્રાઈવ મળી આવ્યા હતા. તમામ શંકાસ્પદ સામગ્રી કબજે લઈ તેની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
આ બાબતે ડીવાયએસપી બી.આર. બાજપેયીએ જણાવ્યુ હતું કે શહેર મામલતદાર શરદકુમાર બાંભરોલીયાની ફરિયાદ મુજબ સંજય રમેશચંદ્ર સચદેવની સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. દુકાનના સંચાલક સંજય રમેશચંદ્ર સચદેવ અને કોમ્પ્યુટર ઓપરેટર રાજવીરસિંહ પ્રવિણસિંહ છાસટિયા વિરૂદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
આ તમામ બાબતમાં સવાલો એ ઉભા થાય છે કે ગરીબોનું અનાજ સગેવગે કરનાર અને ભાજપમાં હોદ્દો ધરાવતો સંજય કોની રહેમ નજર હેઠળ અને કેટલા સમયથી સસ્તા અનાજનો કાળો કારોબાર કરતો હતો.