દાહોદના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ, 13 કલાકની જહેમત બાદ ઓલવાઇ, 400 કરોડનું નુકસાન
દાહોદમાં કંપનીના સોલાર પ્લાન્ટમાં લાગેલી આગ 13 કલાકની જહેમત બાદ કાબૂમાં આવી છે. આગના કારણે કરોડોનું નુકસાન થયાનો અંદાજ છે.

દાહોદમાં NTPCના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગને ઓલવવા માટે હટાવવા પાંચથી વધુ JCB પણ કામે લાગ્યા હતાં, 13 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાતા નિર્માણાધીન સોલાર પ્લાન્ટને મોટું નુકસાન થયું છે, 400 કરોડના નુકસાનનો અંદાજ લગાવાય રહ્યો છે.
સોલાર પ્લાન્ટના 95% સાધનો બળીને રાખ થઈ ગયા હતા
ગુજરાતના દાહોદના ભાટીવાડામાં નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ 70 મેગાવોટનો સોલાર પ્લાન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આગ રાત્રે 9 વાગ્યાની આસપાસ ફાટી નીકળી હતી અને પવનને કારણે એટલી ઝડપથી ફેલાઈ હતી કે પ્લાન્ટમાં 400 કરોડ રૂપિયાથી વધુનો સામાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો. સોલાર પેનલ, ટ્રાન્સફોર્મર, કેબલ વગેરે જેવી વસ્તુઓ અહીં રાખવામાં આવી હતી, આમાંથી મોટાભાગની વસ્તુઓ રાખ થઈ ગઈ છે. આગની માહિતી મળતા જ એનટીપીસીના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં આગ એટલી ફેલાઈ ગઈ હતી કે તેને કાબૂમાં લેવો મુશ્કેલ બની ગયો હતો.
દાહોદ અને આસપાસના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડના વાહનો ધટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ ઓલવવા માટે કવાયત હાથ ઘરી હતી. પ્લાન્ટના 95 ટકા સાધનો બળીને રાખ થઈ ગયા છે. અન્ય કેટલીક જગ્યાએથી પણ ફાયર બ્રિગેડની ગાડીઓ મંગાવવામાં આવી હતી અને આખરે 13 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.આગ લાગતાની સાથે જ દાહોદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સિક્યુરિટી ગાર્ડ સહિતના તમામ કર્મચારીઓને સમયસર સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આથી કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાથમિક અંદાજ મુજબ આગથી 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મશીનરી અને સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. NTPC અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.