Vav By Election: વાવ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા માવજી પટેલ સામે ભાજપે કરી મોટી કાર્યવાહી
Vav Assembly By Election 2024: ભાજપમાંથી ટિકીટની આશાએ બેસેલા માવજી પટેલે આખરે વાવ પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
Vav Assembly By Election 2024: બનાસકાંઠાની વાવ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે, વાવ પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે અપક્ષો પણ મેદાનમાં ઉતર્યા છે, હવે ભાજપે આ કડીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. માવજી પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, માવજી પટેલ ભાજપ નેતા છે અને વાવ માટે ટિકીટની માંગ કરી હતી, પરંતુ ભાજપે ઠાકોર નેતા સ્વરૂપજી ઠાકોરને ટિકીટ આપતાં માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેને લઇને હવે ભાજપ મોટી કાર્યવાહી કરી છે.
ભાજપમાંથી ટિકીટની આશાએ બેસેલા માવજી પટેલે આખરે વાવ પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી આ ચૂંટણી પ્રચારમાં માવજી પટેલે ધમાકેદાર બેટિંગ કરીને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હંફાવી દીધા છે. ચૂંટણી પ્રચારમાં ખરો વટ તો માવજી પટેલનો પડી રહ્યો છે. એ જોતા ભાજપને હારનો ડર સતાવી રહ્યો છે. ભાજપે હવે માવજી પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. માવજી પટેલની સાથે સાથે ભાજપે બનાસકાંઠા જિલ્લાના પાંચ મોટા નેતાઓને પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે.
વાવમાં અપક્ષ ઉમેદવારી કરનાર માવજી ચૌધરીનો પુરજોશમાં પ્રચાર
ભાજપે માવજી પટેલ સાથે સાથે ભાભર માર્કેટયાર્ડના ચેયરમેન દલારામભાઈ, ભાભર APMCના પૂર્વ ચેયરમેન લાલજી ચૌધરી, સુઈગામના ભાજપના પૂર્વ મહામંત્રી જામાભાઈ ચૌધરીને પણ ભાજપે સસ્પેન્ડ કર્યા છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલના સમર્થનમાં લાલજી ચૌધરી, જામાભાઈએ એક સભા કરી હતી.
માવજી પટેલ ચૌધરી સમાજના મોટા નેતા છે, અને ચૂંટણી પ્રચારમાં વાવમાં જબરદસ્ત રીતે પ્રચાર કરી રહ્યાં છે. પ્રચારમાં માવજી પટેલ ભાજપના અનેક નેતાઓને ઝપેટમાં લઈ ચૂક્યા છે. ફરી એકવાર વાવની પેટાચૂંટણીમાં માવજી પટેલના આકરા બોલ સાંભળવા મળ્યા હતા.
વાવ બેઠકનું રાજકારણ
વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.
સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત સ્વરુપજી ઠાકોર પર ભરોસો વ્યક્ત કર્યો છે.
વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.
આ પણ વાંચો
Vav bypoll 2024: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે