ગુજરાતમાં ડમ્પરનો કહેર: પૂર્વ મંત્રીની કારનો ભુક્કો બોલાવી દીધો, પણ...
Gujarat Accident: કપડવંજ નજીક તોરણા છીપડી માર્ગ પર બેફામ ડમ્પરની ટક્કર, સદનસીબે પૂર્વ ધારાસભ્ય સુરક્ષિત.

Bimalbhai Shah accident: કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બિમલભાઈ શાહનો આબાદ બચાવ થયો છે. તોરણાથી છીપડી તરફ જઈ રહેલી તેમની કારને ચકલીયા કુવા પાસે એક બેફામ ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, પરંતુ સદનસીબે બિમલભાઈ શાહ અને કારમાં સવાર અન્ય લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.
આ બનાવ કપડવંજ નજીકના તોરણા છીપડી માર્ગ પર ચકલીયા કુવા પાસે બન્યો હતો. મળતી માહિતી મુજબ, બિમલભાઈ શાહ તેમની કારમાં તોરણાથી છીપડી તરફ જઈ રહ્યા હતા, ત્યારે એક પુરપાટ ઝડપે આવતા ડમ્પરે તેમની કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
સદનસીબે, અકસ્માતમાં બિમલભાઈ શાહ કે અન્ય કોઈને ગંભીર ઈજા થઈ નથી. આ સમાચાર મળતા જ તેમના કાર્યકરો અને હોદ્દેદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બિમલભાઈ શાહના ખબરઅંતર પૂછ્યા હતા.
બિમલભાઈ શાહ હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ કપડવંજ વિસ્તારમાં જાણીતું રાજકીય નામ ધરાવે છે અને પૂર્વ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમના અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાતા તેમના સમર્થકો અને શુભેચ્છકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું, પરંતુ તેમના સુરક્ષિત હોવાના સમાચાર મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કપડવંજથી અમદાવાદ તરફ જતા ડમ્પરો પીઠાઈ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ બચાવવા માટે તોરણા છીપડી માર્ગનો ઉપયોગ કરે છે. આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી અને ડમ્પરો બેફામ ગતિએ દોડતા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિક લોકોએ આ બાબતે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ અકસ્માત ફરી એકવાર તોરણા છીપડી માર્ગની બિસ્માર હાલત અને બેફામ ડમ્પર ચાલકોની સમસ્યાને પ્રકાશમાં લાવ્યો છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો આ માર્ગ પર તાત્કાલિક સુધારા અને ડમ્પર ચાલકો પર નિયંત્રણ લાવવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય.
આ પણ વાંચો...
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ





















