અમરેલી ભાજપ નેતાનો ધડાકો: મનરેગા કામોમાં 7 કરોડનો ભ્રષ્ટાચાર! મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ
વિપુલ દુધાતનો ગંભીર આક્ષેપ, ‘અધિકારીઓએ નીતિ નિયમો નેવે મૂક્યા’, IPS હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવા માંગણી.

અમરેલી જિલ્લા ભાજપના નેતા વિપુલ દુધાતે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ખળભળાટ મચાવી દીધો છે. દુધાતે અમરેલી જિલ્લામાં મનરેગા યોજનાના કામોમાં ગંભીર ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે મનરેગાના કામોમાં વર્ષ 2021 થી 2024 ના સમયગાળા દરમિયાન આશરે 7 થી 8 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
વિપુલ દુધાતે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં ગ્રામીણ શ્રમિકોને રોજગારી માત્ર અમુક તાલુકાઓમાં જ ફાળવવામાં આવી છે, જ્યારે અન્ય તાલુકાઓમાં યોગ્ય રીતે રોજગારી આપવામાં આવી નથી. તેમણે આક્ષેપ કર્યો છે કે જવાબદાર અધિકારીઓએ વર્ષ 2021 થી 2024 વચ્ચેના સમયગાળામાં નીતિ નિયમોને નેવે મૂકીને ભ્રષ્ટાચાર આચર્યો છે.
દુધાતે જણાવ્યું હતું કે, જો દરેક કામોની સ્થળ તપાસ કરવામાં આવે તો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓના નામ ખુલી શકે છે. આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે તેમણે IPS અધિકારી હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવાની માંગણી કરી છે.
ભાજપના નેતા દ્વારા ભાજપ શાસનમાં જ ભ્રષ્ટાચારના આક્ષેપ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વિપુલ દુધાતના આક્ષેપો બાદ હવે સરકાર આ મામલે શું પગલાં લે છે તે જોવાનું રહેશે. હાલમાં તો આ ઘટનાએ અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
પત્રમાં શું લખ્યું છે....
જય ભારત સાથ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્રારા ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે તેવા હેતુસર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અમલમાં છે જેમાં રોજગારી થાય તે રકમના ૪૦ ટકા માલ મટીરીયલ્સના કામો ગામડાના વિકાસ માટે ફાળવવામાં આવે છે પરંતુ અમરેલી જીલ્લાના અલગ અલગ તાલુકામાં સને-૨૦૨૧ થી ૨૦૨૪ વચ્ચેના સમયગાળામાં જે કામો થયેલ છે તેની સામે ફકત એક-બે તાલુકાના અમુક ગામોમાં જ માલ મટીરીયલ્સના કામો ફાળવામાં આવેલ છે અને જે એક-બે તાલુકાના અમુક ગામોમાં માલ મટીરીયલ્સના કામો તેમાં જવાબદાર અધિકારીઓએ જાણી જોઈ નિયમમોને નેવે મુકી ભષ્ટ્રાચાર કરવા માટે ફાળવેલ છે અને જેમાં ૭ થી ૮ કરોડનો ભષ્ટ્રાચાર થયાની લોક ચર્ચા છે તેથી જો સને-૨૦૨૧ થી ૨૦૨૪ વચ્ચે થયેલ દરેક કામની સ્થળ તપાસ કરવામાં આવે તો આ કોભાંડમાં સામેલ અધિકારીઓ/એજન્સી કે અન્ય વ્યકિતઓના નામ ખુલ્લે તેમ છે જેથી ઉપરોકત બાબતે આઈ.પી.એસ. હસમુખ પટેલ સાહેબની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચત્તા કરી તપાસ કરાવવા વિનંતી સહ માંગણી છે.





















