Monsoon 2025: ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી ? જાણી લો
ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલા થવાની સંભાવના છે. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસુ વહેલું પહોંચ્યું છે.

અમદાવાદ: ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલા થવાની સંભાવના છે. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસુ વહેલું પહોંચ્યું છે. આ કારણે રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલુ થશે તેમ માનવામાં આવે છે. પરિબળો સાનુકૂળ હોવાથી ચોમાસુ વહેલું આવશે. કેરળમાં 27મે સુધીમાં ચોમાસુ પ્રવેશ કરશે તેવી સ્થિતિ છે. ગુજરાતમાં પણ ચોમાસુ વહેલા આવવાની શકયતા છે.
રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે અને વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં તાપમાનમાં વધુ ફેરફાર નહીં જોવા મળે. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચ્યા પછી, ચોમાસુ 8 જુલાઈ સુધીમાં અન્ય રાજ્યોને આવરી લે છે, એમ IMD એ જણાવ્યું હતું. 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાન થઈને પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થાય છે.
2025માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે
હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં કરેલી આગાહીમાં આશા વ્યક્ત કરી હતી કે 2025માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ કારણે અલ નીનોની અસર નકારી કાઢવામાં આવી રહી છે, કારણ કે અલ નીનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી રહ્યો છે.
આ વખતે એક અઠવાડિયા વહેલું થશે
તાજેતરમાં, હવામાન વિભાગે કહ્યું હતું કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રીતે આ 20 મેની આસપાસ થાય છે, પરંતુ આ વખતે તે એક અઠવાડિયા વહેલું થઈ રહ્યું છે. સામાન્ય રીતે ચોમાસાને નિકોબાર ટાપુઓથી કેરળ પહોંચતા 10 દિવસ લાગે છે.





















