નવરાત્રિના ખેલૈયાઓ માટે ચિંતાના વાદળો: 10 જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર, ડાંગમાં 5.5 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ
Gujarat red alert rain: હવામાન વિભાગે ગુજરાતના 10 જેટલા જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક માટે રેડ એલર્ટ જાહેર કરીને લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે.

Navratri rain alert: ગુજરાતમાં નવરાત્રિની મોસમમાં ગરબા કરતા ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદનું સંકટ ઘેરું બન્યું છે. હવામાન વિભાગે રવિવારે (28મી સપ્ટેમ્બર) સાંજે 4 વાગ્યા સુધી આગામી ત્રણ કલાક માટે દક્ષિણ ગુજરાતના 10 જેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. છેલ્લા કેટલાક કલાકોથી આ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ડાંગ જિલ્લામાં તો 12 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નદીઓ ગાંડીતૂર બની છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે પણ વરસાદે નવસારી અને વલસાડમાં ગરબાના પંડાલ વેરવિખેર કરી દીધા હતા, જેનાથી ખેલૈયાઓની મજા બગડી હતી. આ વરસાદી માહોલને જોતા ગરબાના આયોજન પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
હવામાન વિભાગની ચેતવણી: રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગે ગુજરાતના 10 જેટલા જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક માટે રેડ એલર્ટ જાહેર કરીને લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે, જેનાથી જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે. રેડ એલર્ટ હેઠળ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી ધરાવતા જિલ્લાઓમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાહોદ, દમણ, અને દાદરા તથા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઓરેન્જ એલર્ટ હેઠળ ભારે વરસાદની ચેતવણી જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, અને પંચમહાલ માટે આપવામાં આવી છે. જ્યારે, યલો એલર્ટ એટલે કે મધ્યમથી હળવા વરસાદની ચેતવણી રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, અને અરવલ્લી જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી છે.
ડાંગમાં આભ ફાટ્યું: 12 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ
વરસાદે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તબાહી મચાવી છે, જેમાં ડાંગ જિલ્લાની સ્થિતિ ચિંતાજનક બની છે. છેલ્લા 12 કલાકના વરસાદના આંકડાઓ અનુસાર, ડાંગના સાપુતારામાં 5.5 ઇંચ જેટલો જંગી વરસાદ ખાબક્યો છે, જ્યારે આહવામાં 4 ઇંચ, વઘઈમાં 3 ઇંચ અને સુબરીમાં 2.60 ઇંચ વરસાદ નોંધાયો છે. સાપુતારામાં પડેલા અતિભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામાં નદીઓમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ખેલૈયાઓની નવરાત્રિ બગાડી: નવસારી-વલસાડમાં પંડાલ ધરાશાયી
ગઈકાલે પણ મેઘરાજાએ નવરાત્રિના ઉત્સવ પર પાણી ફેરવી દીધું હતું. નવસારી અને વલસાડ જિલ્લામાં અચાનક પડેલા ભારે વરસાદે ખેલૈયાઓની મજા બગાડી દીધી હતી. ભારે પવન અને વરસાદને કારણે અનેક જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી થઈ ગયા હતા અને ગરબા ગ્રાઉન્ડમાં પાણી જ પાણી ભરાઈ ગયું હતું. આજના રેડ એલર્ટને જોતાં, ગરબા આયોજકો માટે આ રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવું લગભગ અશક્ય બની ગયું છે, અને મોંઘા પાસ ખરીદનારા ખેલૈયાઓની નિરાશા વધી છે.





















