હવેથી આ સરકારી કર્મચારીઓને સીધી બઢતી નહીં મળે, ગુજરાત સરકારે પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી
શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, બઢતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા અને ખાનગી અહેવાલ ફરજિયાત, 31 માર્ચ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ.

Assistant Education Inspector promotion rule: રાજ્યના શિક્ષણ વિભાગે મદદનીશ કેળવણી નિરીક્ષકો (વર્ગ-૩)ની બઢતીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી આ પદ પર સીધી બઢતી આપવામાં આવશે નહીં, પરંતુ લાયક ઉમેદવારોએ બઢતી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી પડશે. આ નિર્ણયનો હેતુ વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોને તક આપવાનો છે.
શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી અને સીધી ભરતી અંગેના નિયમો સ્પષ્ટ કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, બઢતી માટે હવે માત્ર પરીક્ષા જ નહીં, પરંતુ ઉમેદવારનો ખાનગી અહેવાલ, ખાતાકીય તપાસ અંગેનું પ્રમાણપત્ર, HTAT તરીકેનો ફરજનો સમયગાળો અને હિન્દી તેમજ કોમ્પ્યુટર જ્ઞાન અંગેના પ્રમાણપત્રોની ચકાસણી પણ કરવામાં આવશે.
અગાઉ, મદદનીશ કેળવણી નિરીક્ષકોને અનુભવ, કામગીરી અને વરિષ્ઠતાના આધારે સીધી બઢતી આપવામાં આવતી હતી. પરંતુ હવે શિક્ષણ વિભાગે આ પ્રક્રિયામાં ફેરફાર કરીને સ્પર્ધાત્મક પરીક્ષાને ફરજિયાત બનાવી છે. વિભાગનું માનવું છે કે આનાથી વધુ યોગ્ય અને સક્ષમ ઉમેદવારો આ પદ માટે પસંદ થશે.
આ નિર્ણયમાં અનામત પ્રથાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. બઢતીમાં રોસ્ટર પદ્ધતિ યથાવત રહેશે, જેથી અનામત વર્ગના ઉમેદવારોને પણ નિયમો અનુસાર તક મળી રહે.
શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ અને સંબંધિત શાસનાધિકારીશ્રીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર, મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી માટે સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ (ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા) લેવામાં આવશે. આ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે જ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને બઢતી માટે પસંદગી કરવામાં આવશે.
મહત્વની સૂચનાઓ અનુસાર:
- HTAT મુખ્ય શિક્ષકમાંથી મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)માં બઢતી માટે હાલ જે જિલ્લા/નગરમાં ફરજ બજાવતા હોય ત્યાં જ મેરિટના આધારે બઢતી આપવામાં આવશે.
- દરેક જિલ્લા અને નગર શિક્ષણ સમિતિમાં ઉચ્ચત્તર પગારધોરણ માટેની જે બઢતી સમિતિ છે, તે જ આ બઢતીની કાર્યવાહી કરશે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારી દ્વારા બઢતીના હુકમો કરવામાં આવશે.
- જિલ્લા અને નગર સમિતિઓએ અગાઉ મોકલેલા માંગણાપત્રક અને રોસ્ટર રજીસ્ટરને ધ્યાનમાં રાખીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને બિન અનામત (GEN)ની ખાલી જગ્યાઓ માટે માત્ર પરીક્ષાના ગુણના આધારે ઉતરતા ક્રમમાં યાદી બનાવીને પસંદગી કરવાની રહેશે.
- બઢતી માટે પાત્ર ઉમેદવારોના ખાનગી અહેવાલ, ખાતાકીય તપાસ અંગેનું પ્રમાણપત્ર, HTAT તરીકેનો ફરજનો સમયગાળો, હિન્દી પરીક્ષા અને કોમ્પ્યુટર જ્ઞાન અંગેના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.
- અનામત કેટેગરીની જગ્યાઓ પર યોગ્ય ઉમેદવાર ન મળે તો તે જગ્યાઓ ખાલી રાખવામાં આવશે અને સામાન્ય ઉમેદવારથી ભરવામાં આવશે નહીં. કોઈ પણ કેટેગરી માટે પ્રતિક્ષાયાદી પણ બહાર પાડવામાં આવશે નહીં.
- પસંદગીના છેલ્લા ઉમેદવાર માટે એકથી વધુ ઉમેદવારના સમાન ગુણ હોય તો પ્રથમ HTAT તરીકેની વરિષ્ઠતા, ત્યારબાદ જન્મ તારીખ (વધુ ઉંમરવાળાને અગ્રતા) અને અંતે નામના કક્કાવારી ક્રમ અનુસાર પસંદગી કરવામાં આવશે.
- લાયક ઉમેદવારો પાસેથી દરખાસ્તો મંગાવીને તમામ જિલ્લા/નગર સમિતિઓએ આગામી તારીખ ૩૧/૦૩/૨૦૨૫ સુધીમાં બઢતી માટેની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
- વહીવટી કારણોસર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ બઢતીના આદેશો કરતી વખતે દરેક તાલુકામાં મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા ઉપલબ્ધ રહે તે બાબતનું ધ્યાન રાખવાનું રહેશે.
આમ, શિક્ષણ વિભાગ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષકોની બઢતી માટેના નિયમોમાં કરવામાં આવેલો આ ફેરફાર આગામી સમયમાં અમલમાં આવશે. તમામ સંબંધિત અધિકારીઓને આ અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
