ગીર સોમનાથમાં દબાણો પર ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર, 40 મકાનો ખાલી કરાવાયા
સોમનાથ મંદિર નજીક વિવાદીત જમીન પર કોર્ટના આદેશ બાદ મેગા ડિમોલિશનની તૈયારી.

- ગીર સોમનાથમાં સોમનાથ મંદિર નજીક વિવાદીત જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ.
- વહીવટી તંત્ર દ્વારા 40 જેટલા મકાનો ખાલી કરાવવાની કામગીરી વહેલી સવારથી શરૂ.
- કોર્ટના આદેશથી જમીન સોમનાથ ટ્રસ્ટને સોંપાશે.
- મકાનો ખાલી કરાવવા માટે વહીવટી અને પોલીસ તંત્રનો મોટો કાફલો ઘટનાસ્થળે હાજર.
- રહેવાસીઓના સામાનને ખસેડવા 25 જેટલા ટ્રેક્ટરોની મદદ લેવાઈ રહી છે.
- મકાનો ખાલી થયા બાદ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે.
- જમીન સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવશે.
Gir Somnath illegal encroachments: ગીર સોમનાથમાં ફરી એકવાર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરવા માટે તૈયાર છે. સોમનાથ મહાદેવ મંદિર નજીક વિવાદીત જમીન પર બાંધવામાં આવેલા 40 જેટલા મકાનોને વહીવટી તંત્ર દ્વારા ખાલી કરાવવાની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે. સોમનાથ મંદિરથી ત્રિવેણી જતા રસ્તા પર શ્રી રામ મંદિરની સામે આવેલી આ વિવાદીત જમીન પર દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો હતો.
આ વિવાદીત જમીન પર 40થી વધુ મકાનો આવેલા છે, જેમાં એક મંદિર અને એક કૂવો પણ સામેલ છે. આશરે 200 જેટલા લોકો અહીં વસવાટ કરી રહ્યા હતા. આ જમીનનો મામલો વર્ષો પહેલા કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે આ જમીન સોમનાથ ટ્રસ્ટને સોંપવાનો હુકમ કર્યો હતો. કોર્ટના આદેશના પગલે આજે વહીવટી તંત્ર દ્વારા મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી માટે વહેલી સવારથી જ વેરાવળના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને 100 જેટલા પોલીસકર્મીઓનો મોટો કાફલો વિવાદિત વિસ્તારમાં પહોંચી ગયો હતો. રહેવાસીઓના સામાનને અન્ય જગ્યાએ ખસેડવા માટે 25 જેટલા ટ્રેક્ટરોની મદદ લેવામાં આવી રહી છે. તંત્ર દ્વારા તમામ લોકોને શાંતિપૂર્ણ રીતે પોતાના મકાનો ખાલી કરવા માટે અપીલ કરવામાં આવી હતી અને મોટાભાગના લોકોએ સહકાર આપ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ મકાનો સંપૂર્ણપણે ખાલી થયા બાદ આ વિવાદીત જમીન પર મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જમીન ખાલી કરાવ્યા બાદ તેને સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવશે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે અને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વર્ષોથી ચાલતા આ વિવાદનો હવે અંત આવ્યો છે અને સોમનાથ ટ્રસ્ટ આ જમીનનો ઉપયોગ મંદિરના વિકાસ અથવા અન્ય હેતુઓ માટે કરી શકશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
