બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આચાર્ય ભરતી-૨૦૨૪ અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારો માટે તારીખ લંબાવવામાં આવી, શાળા અને વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય.

non-government aided school principals: રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા આચાર્ય પદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને શાળામાં હાજર થવાની છેલ્લી તારીખ લંબાવીને હવે ૧૫ માર્ચ-૨૦૨૫ કરવામાં આવી છે. અગાઉ આ તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ નક્કી કરવામાં આવી હતી.
આચાર્ય ભરતી-૨૦૨૪ અંતર્ગત પસંદગી પામેલા ઘણા ઉમેદવારો ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં શાળામાં હાજર થઈ શક્યા ન હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ઉમેદવારો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ભરતી પસંદગી સમિતિ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિનો હેતુ એ છે કે રાજ્યની તમામ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વહેલી તકે આચાર્ય મળી રહે, જેથી શાળાઓનું શૈક્ષણિક કાર્ય સુચારુ રૂપે ચાલી શકે અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થઈ શકે.
આ નિર્ણયથી એવા ઉમેદવારોને મોટી રાહત મળી છે જેઓ કોઈ કારણોસર અગાઉની તારીખ સુધીમાં હાજર થઈ શક્યા ન હતા. હવે તેઓ ૧૫ માર્ચ-૨૦૨૫ સુધીમાં પોતાની પસંદગી પામેલ શાળામાં આચાર્ય તરીકેનો હોદ્દો સંભાળી શકશે.
ગુજરાત રાજ્યની અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ૨૦૨૪ અંતિમ તબક્કામાં પૂર્ણ થઈ
ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 'જૂના શિક્ષક ભરતી ૨૦૨૪' પ્રક્રિયા અંતિમ તબક્કામાં પૂર્ણ થઈ હતી. ભરતી પસંદગી સમિતિની આજે મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં ઉમેદવારો માટે શાળા ફાળવણી અને નિમણૂક પત્ર આપવાની તારીખો જાહેર કરવામાં આવી હતી.
સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, જૂના શિક્ષક ભરતી માટેના લાયક ઉમેદવારોને શાળાઓની ફાળવણી તા. ૦૧ માર્ચ, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ ઉમેદવારોને તેઓને ફાળવવામાં આવેલી શાળાની માહિતી ઉપલબ્ધ થઈ હતી.
વધુમાં, ઉમેદવારો માટે નિમણૂક હુકમ અને ભલામણ પત્ર આપવાનો કાર્યક્રમ તા. ૦૯ માર્ચ, ૨૦૨૫ના રોજ યોજાયો હતો. આ દિવસે ઉમેદવારોને તેઓના નિમણૂક હુકમ અને ભલામણ પત્રો આપવામાં આવ્યા હતા અને સાથે જ રાજ્યમાં જૂના શિક્ષક ભરતી પ્રક્રિયા ઔપચારિક રીતે પૂર્ણ થઈ હતી.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં આ વિગતો આપવામાં આવી હતી. આ જાહેરાતથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી અને તેઓ નિમણૂક પત્ર મેળવવા માટે ઉત્સુક હતા.
આ પણ વાંચો...
ગુજરાતમાં શિક્ષક ભરતીને લઈ મોટા સમાચાર: જૂના શિક્ષકો માટે ભરતી પસંદગી સમિતિની લીધો આ મોટો નિર્ણય





















