ગુજરાતમાં શિક્ષક ભરતીને લઈ મોટા સમાચાર: જૂના શિક્ષકો માટે ભરતી પસંદગી સમિતિની લીધો આ મોટો નિર્ણય
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે 'જૂના શિક્ષક ભરતી ૨૦૨૪' અંતર્ગત મહત્વપૂર્ણ જાહેરાત.

Old teachers recruitment 2025: ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 'જૂના શિક્ષક ભરતી ૨૦૨૪' પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. ભરતી પસંદગી સમિતિની આજે મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં ઉમેદવારો માટે શાળા ફાળવણી અને નિમણૂક પત્ર આપવાની તારીખો જાહેર કરવામાં આવી છે.
સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, જૂના શિક્ષક ભરતી માટેના લાયક ઉમેદવારોને શાળાઓની ફાળવણી તા. ૦૧ માર્ચ, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત બાદ ઉમેદવારોને તેઓને ફાળવવામાં આવેલી શાળાની માહિતી ઉપલબ્ધ થશે.
વધુમાં, ઉમેદવારો માટે નિમણૂક હુકમ અને ભલામણ પત્ર આપવાનો કાર્યક્રમ તા. ૦૯ માર્ચ, ૨૦૨૫ના રોજ યોજાશે. આ દિવસે ઉમેદવારોને તેઓના નિમણૂક હુકમ અને ભલામણ પત્રો આપવામાં આવશે અને સાથે જ રાજ્યમાં જૂના શિક્ષક ભરતી પ્રક્રિયા ઔપચારિક રીતે પૂર્ણ થશે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં આ વિગતો આપવામાં આવી છે. આ જાહેરાતથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને તેઓ નિમણૂક પત્ર મેળવવા માટે ઉત્સુક છે.
નોંધનીય છે કે, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ભૂતકાળમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના અંતર્ગત જૂના શિક્ષક ભરતી પ્રક્રિયા સંબંધિત ખાસ સ્પષ્ટતાઓ અને સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. આ નિર્ણય અનુસાર, જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રાખવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાઓ મુજબ, ગ્રાન્ટેડ શાળાઓ (લઘુમતી શાળાઓ સિવાય) માં ઓછામાં ઓછાં પાંચ વર્ષનો નિયમિત સેવાનો અનુભવ ધરાવતા અને હાલમાં સેવામાં કાર્યરત શિક્ષકો જૂના શિક્ષક તરીકે અરજી કરવા માટે પાત્ર ઠર્યા હતા. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન માધ્યમથી હાથ ધરવામાં આવી હતી.
વિભાગે સ્પષ્ટતા કરી હતી કે આ લાભ શિક્ષક તરીકેના સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત મળવાપાત્ર રહેશે. વધુમાં, જાહેરાતની તારીખે જે શિક્ષકોને વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેઓ અરજી કરવા માટે પાત્ર ગણાયા નહોતા. જૂના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા બાદ શિક્ષકની સેવા સળંગ ગણવામાં આવનાર હતી. ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે બજાવેલી ફિક્સ પગારની નોકરીનો અનુભવ પણ ભરતી માટે લાયકાત તરીકે ગ્રાહ્ય રાખવામાં આવ્યો હતો, અને ઉમેદવારોના શૈક્ષણિક અનુભવના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવી હતી.
જૂના શિક્ષક ભરતીનો ખ્યાલ
અગાઉ, રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ટ્રસ્ટ દ્વારા ભરતી કરવામાં આવતી હતી, પરંતુ 2011થી કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર TET-TAT પાસ ઉમેદવારોને સંબંધિત ટ્રસ્ટોને મોકલતી હતી, જેઓ નિમણૂક આપતા હતા. પહેલાં સ્થાનિક ઉમેદવારોની ભરતી થતી હોવાથી શિક્ષકોને દૂર જવું પડતું નહોતું, પરંતુ બાદમાં દૂરના જિલ્લાઓમાં નોકરી કરવાની ફરજ પડતી હોવાના પ્રશ્નો ઉભા થયા હતા. આથી, જૂના શિક્ષકોની ભરતીનો વિચાર અમલમાં મૂકાયો. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ જગ્યાના 25% જગ્યા જૂના શિક્ષકો દ્વારા ભરવાની જોગવાઈ કરવામાં આવી હતી, જ્યારે બાકીની 75% જગ્યા મેરિટના આધારે ભરવામાં આવતી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જે શિક્ષકો પોતાના વતનથી દૂર નોકરી કરી રહ્યા છે, તેઓને પોતાના વતન નજીક ગ્રાન્ટેડ શાળામાં ખાલી જગ્યા હોય તો વતન પરત ફરવાની તક મળી શકે. આ માટે પાંચ વર્ષની નોકરી અને નિવૃત્તિને બે વર્ષથી વધુ સમય બાકી હોવા જેવી લાયકાત નક્કી કરવામાં આવી હતી, અને ગણિત-વિજ્ઞાન શિક્ષકની ખાલી જગ્યા હોય તો તે વિષયના શિક્ષકની જ નિયુક્તિ થઈ શકે તેવી જોગવાઈ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો...
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
