પદ્મિનીબા વાળાનું ઉપવાસ આંદોલન, કહ્યું - જ્યાં સુધી રૂપાલાની ટીકીટ રદ નહીં થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ
એટલુ જ નહીં અમદાવાદમાં આજે મળનારી ક્ષત્રિય સમાજની બેઠક પદ્મિનીબા વાળાને નથી બોલાવાયા ત્યારે બેઠક અંગે પદ્મિનીબા વાળાએ કહ્યું કે કોઈ આઠ વ્યકિતઓ વચ્ચે બેઠક ન થવી જોઈએ.
Parshottam Rupala: રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી છે. રાજકોટમાં કરણી સેનાના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો છે. જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ત્યા સુધી પદ્મિનીબાએ અન્નનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલુ જ નહીં અમદાવાદમાં આજે મળનારી ક્ષત્રિય સમાજની બેઠક પદ્મિનીબા વાળાને નથી બોલાવાયા ત્યારે બેઠક અંગે પદ્મિનીબા વાળાએ કહ્યું કે કોઈ આઠ વ્યકિતઓ વચ્ચે બેઠક ન થવી જોઈએ. મને કોઈ આમંત્રણ આપવામાં નથી આવ્યું. બેઠક ફક્ત ક્ષત્રિય સમાજ વચ્ચે થવી જોઈએ.
ભાજપના મોટા નેતા અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અત્યારે ગુજરાતમાં ક્ષત્રિયોની વચ્ચે જબરદસ્ત રીતે ઘેરાયેલા છે, છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્યમાં પરશોત્તમનો ક્ષત્રિય સમાજ દ્વારા પુરજોશમાં વિરોધ ચાલી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકીટ રદ્દ કરવાની માંગ પણ અડ્યો છે. રૂપાલાના વિરોધમાં રાજ્યમાં પહેલા ભાવનગર રાજવી પરિવાર વિરોધમાં ઉતર્યો, ત્યારબાદ વઢવાણ અને હવે આજે લીંબડી સ્ટેટ ઠાકોર સાહેબે પણ વિરોધ નોંધાવ્યો છે. સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપીને વિરોધ રેલી કરવામાં આવી રહી છે.
રૂપાલાના વિરોધમાં આજે આણંદમાં પણ વિરોધ જોવા મળ્યો છે, આણંદમાં વિરોધી પૉસ્ટર વૉર શરૂ થયુ છે. આ પહેલા ઉપલેટા અને સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં રૂપાલા અને ભાજપ પ્રવેશબંધીના બેનરો અને પૉસ્ટરો લાગ્યા હતા. આજે આણંદ જિલ્લામાં પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા છે. આણંદના ઉમરેઠ તાલુકામાં રૂપાલા વિરુદ્ધમાં બેનરો લાગ્યા છે. રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ સાથે આ બેનરો લાગ્યા છે. રૂપાલાના વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.
શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.