ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
Patidar leaders meeting Gandhinagar: રાજ્યમાં ભાગેડુ લગ્ન પ્રથા અને પ્રેમલગ્નના કિસ્સાઓમાં પરિવારની મંજૂરી વિના થતા લગ્નોને કારણે સર્જાતી સામાજિક સમસ્યાઓને ઉકેલવા પાટીદાર સમાજ સક્રિય થયો છે.

Patidar leaders meeting Gandhinagar: ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકાર અને પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે એક નિર્ણાયક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યત્વે પ્રેમલગ્ન અને લગ્ન નોંધણીની પ્રક્રિયામાં માતા પિતાની સંમતિ ફરજિયાત બનાવવા અંગે જોરદાર રજૂઆત કરવામાં આવી હતી. સરકાર તરફથી આ મામલે કાયદો બનાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ OBC ની જેમ EWS (આર્થિક રીતે નબળા વર્ગ) માટે અનામત લાગુ કરવાની માંગણી આગેવાનો દ્વારા કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બોગસ લગ્ન નોંધણી કરતા તલાટીઓ સામે લાલ આંખ કરી કડક પગલાંના આદેશ આપ્યા છે.
લગ્ન નોંધણી કાયદામાં સુધારા માટે પાટીદારોની રજૂઆત
રાજ્યમાં ભાગેડુ લગ્ન પ્રથા અને પ્રેમલગ્નના કિસ્સાઓમાં પરિવારની મંજૂરી વિના થતા લગ્નોને કારણે સર્જાતી સામાજિક સમસ્યાઓને ઉકેલવા પાટીદાર સમાજ સક્રિય થયો છે. આજે પાટીદાર આગેવાનોએ સચિવાલય ખાતે રાજ્યના કાયદામંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. માત્ર પાટીદાર જ નહીં, પરંતુ અન્ય સમાજના આગેવાનો પણ આ સુધારાની માંગ સાથે જોડાયા છે. આગેવાનોની મુખ્ય માંગણી છે કે લગ્ન નોંધણી સમયે યુવક યુવતીના માતા પિતાની સહી અને સંમતિ ફરજિયાત કરવામાં આવે.
આધારકાર્ડના સરનામે જ લગ્ન નોંધણીનો આગ્રહ
આગેવાનોએ સરકાર સમક્ષ એક ટેકનિકલ મુદ્દો પણ મૂક્યો છે. હાલમાં યુવક યુવતીઓ અન્ય જિલ્લા કે તાલુકામાં જઈને લગ્ન કરી લેતા હોય છે. આથી માંગણી કરવામાં આવી છે કે આધારકાર્ડમાં જે સરનામું હોય, તે જ વિસ્તારમાં અથવા તો યુવક યુવતીના વતનમાં જ લગ્નની નોંધણી થવી જોઈએ. આ ઉપરાંત, લગ્ન પહેલાં માતા પિતાને વાંધો રજૂ કરવા માટે ચોક્કસ સમયમર્યાદા આપવી જોઈએ અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પારદર્શક રીતે થવી જોઈએ.
બોગસ મેરેજ રજિસ્ટ્રેશન અને તલાટીઓ સામે કાર્યવાહી
તાજેતરમાં 'ABP અસ્મિતા' દ્વારા લગ્ન નોંધણીમાં ચાલતા ફર્જીવાડા અને ખોટા દસ્તાવેજોના આધારે થતા લગ્નોના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ મુદ્દો પણ બેઠકમાં ગાજ્યો હતો. પાટીદાર આગેવાનોએ રજૂઆત કરી હતી કે કેટલાક તલાટીઓ ગેરકાયદેસર રીતે બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચલાવી રહ્યા છે. આ બાબતે ગંભીર નોંધ લેતા ગૃહમંત્રીએ આવા ભ્રષ્ટ તલાટીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
સરકારનું હકારાત્મક વલણ અને કાયદો બનાવવાની ખાતરી
બેઠક બાદ પાટીદાર આગેવાનોએ મીડિયાને જણાવ્યું હતું કે સરકારનો પ્રતિસાદ ખૂબ જ સકારાત્મક રહ્યો છે. સરકારે ખાતરી આપી છે કે સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લગ્ન નોંધણી પ્રથામાં જરૂરી ફેરફાર કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ અંગે કડક કાયદો બનાવવાની દિશામાં સરકાર આગળ વધશે.
ચૂંટણીમાં પણ EWS અનામતની માંગ
લગ્ન કાયદા ઉપરાંત, અનામતના મુદ્દે પણ મહત્વની ચર્ચા થઈ હતી. પાટીદાર નેતા વરૂણ પટેલે જણાવ્યું હતું કે હાલમાં શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અનામતની જોગવાઈ છે. હવે આગેવાનોએ માંગ કરી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (જેમ કે પંચાયત અને પાલિકા) પણ OBC અનામતની જેમ જ EWS અનામત લાગુ કરવી જોઈએ.
ચુકાદાઓનો અભ્યાસ કરી સરકાર લેશે નિર્ણય
ચૂંટણીમાં EWS અનામત અંગે સરકારે જણાવ્યું છે કે આ એક બંધારણીય અને કાયદાકીય બાબત છે. તેથી, સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરશે. કાયદાકીય પાસાઓ તપાસ્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જોકે, આગેવાનોને આશા છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ અંગે કોઈ નક્કર નિર્ણય લેવાશે.




















