BHARUCH : માતાના ગર્ભમાં રહી સાંભળ્યુ હતું સંગીત, આજે 13 વર્ષની પ્રકૃતિએ ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે ગાયું ભજનગીત
Bharuch News : ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની રહેવાસી પ્રકૃતિ દેસાઈએ 13 વર્ષની ઉંમરે પદ્મશ્રી અનુપ જલોટા સાથે ભજનગીત ગાયું.
Bharuch : રામ ભજલે યા તું ભજલે રહિમ… આ ગીત હાલ લોકપ્રિય થઈ રહ્યું છે છે. જે 13 વર્ષની બાળકી પ્રકૃતિ દેસાઇ અને અનુપ જલોટાના કંઠે ગાવામાં આવ્યું છે. આ બાળકી ભરૂચ જિલ્લાના વાલિયા ગામની છે. વાલિયા જેવા નાનકડા ગામથી પદ્મશ્રી અનુપ જલોટા સાથે ગીત ગાનાર બાળકીની સફર અંગે વાત કરીએ તો, ગીત સંગીત સહિતની કલા ગળથૂથીમાંથી મળે છે આ કહેવતને ભરૂચ જિલ્લાના વાલિયા ગામની માત્ર 13 વર્ષની બાળકીએ સાર્થક કરી બતાવી છે.
પ્રકૃતી દેસાઈને વારસામાં જ મળ્યું સંગીતનું જ્ઞાન
વાલીયા ગામમાં રહેતી 13 વર્ષીય પ્રકૃતી દેસાઈને વારસામાં જ સંગીતનું જ્ઞાન મળ્યું છે. પ્રકૃતિ દેસાઇના પિતા ઉચેડિયા ગામની શાળામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બાળકી જ્યારે માતાના ગર્ભમાં હતી એ સમયથી જ પિતા-માતા સંગીતના સૂરો થકી ગર્ભનું સિંચન કરતા હતા, જેની અસર આજે જોવા મળી રહી છે.
13 વર્ષની વયે અનુપ જલોટા સાથે ગાયું ભજનગીત
પ્રકૃતિને નાનપણથી જ સંગીતમાં રુચિ વધી હતી અને માત્ર 13 વર્ષની વયે જ તેણે ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે સંગીતના સુર આલાપ્યા છે. આ અંગે પ્રકૃતિ દેસાઇએ જણાવ્યુ હતું કે, પિતા યોગેશ દેસાઈ અને ભરૂચમાં રહેતા સંગીત ગુરુ જીજ્ઞેશ પટેલ પાસે શાસ્ત્રીય સંગીતના પાઠ શીખી રહી છે. તેનો પદ્મશ્રી અનુપ જલોટા સાથે ગીત ગાવાનો અનુભવ અદભૂત હતો. જુઓ પ્રકૃતિ અને અનુપ જલોટાનું આ “સ્વર્ગ યહીં હૈં ..નર્ક યહીં હૈં” ભજનગીત -
પિતા પ્રકૃતિને હાર્મોનિયમ પર સુવડાવી ગીતો ગાતા !
આ અંગે પ્રકૃતિ દેસાઇના પિતા યોગેશ દેસાઈએ પ્રકૃતિની સંગીત યાત્રા અંગેની વાત કરતાં જણાવ્યુ હતું કે, મારા પત્ની પણ શિક્ષક છે. તેઓ પ્રેગ્નેટ હતા ત્યારે હું તેમને સંગીત સાથે ભજનો અને ગીતો ગાઈને સંભળાવતો હતો. ત્યાર બાદ પ્રકૃતિનો જન્મ થતાં જ હું તેને પણ હાર્મોનિયમ પર સુવડાવી ગીતો ગાતો હતો. જેના કારણે આજે પ્રકૃતિને સંગીતનું ઘેલું લાગ્યું છે. આજે પ્રકૃતિ અને મારો 10 વર્ષનો પુત્ર દૃશ્ય સંગીતમાં વિસારત મેળવી રહ્યા છે. મને ઘણી જ ખુશી છે કે, મારી પુત્રી અને પુત્ર આજે સંગીત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે.