Rain: વરસાદથી મોટી દૂર્ઘટના, દિવાલ પડતા 8 લોકો દટાયા, 4 બાળકોના ઘટના સ્થળે મોત
હાલોલ GIDCમાં આ દિવાલ ધરાશાયી થઇ હતી, જેમાં કુલ 8 લોકો દટાયા હતા, આ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકો શ્રમિકો છે અને તેઓ મધ્યપ્રદેશથી ગુજરાતમાં કામ કરવા આવ્યા હતા.
Heavy Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદે અનેક જગ્યાએ તબાહીના દ્રશ્યો સર્જ્યા છે. પંચમહાલથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં એક દિવાલ પડવાથી ચાર બાળકોના મોત થયાના સમાચાર મળ્યા છે. માહિતી પ્રમાણે જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને આ વરસાદના કારણે પંચમહાલ જિલ્લા હાલોલના ચંદ્રપુરા ગામની જીઆઇડીસીમાં એક દિવાલ ધરાશાયી થતાં ચાર બાળકોના મોત થયા હતા અને એક મહિલા આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી. ઘટનાની જાણ થતાં 108 અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
મળતી માહિતી પ્રમાણે, હાલોલ GIDCમાં આ દિવાલ ધરાશાયી થઇ હતી, જેમાં કુલ 8 લોકો દટાયા હતા, આ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકો શ્રમિકો છે અને તેઓ મધ્યપ્રદેશથી ગુજરાતમાં કામ કરવા આવ્યા હતા. હાલમાં 2 મહિલા સહિત 4 લોકો સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, વહેલી સવારથી જ પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક ગામડાંઓ અને શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.
સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના ઉનામાં ચાર કલાકમાં ચાર ઇંર વરસાદ ખાબક્યો હતો. ઉના, તાલાલા, કોડીનાર, સૂત્રાપાડામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઉનાના આનંદ બજારમાં પાણી ભરાયા હતા. આનંદ બજારમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તાલાલાના ધાવા, અમરવેલ, સુરવા,માધુપુર ગામોમાં વરસાદ વરસ્યો હતો. બીજી તરફ સૂત્રાપાડામાં ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા. કોડીનારના અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કોડીનારમાં પણ વરસાદથી ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. ગની બજાર, આનંદ બજાર સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. સુત્રાપાડામાં પણ 3 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ
ભારે વરસાદના કારણે અમદાવાદમાં AMCનો પ્રિમોન્સૂન પ્લાન નિષ્ફળ રહ્યો હતો. અમદાવાદના કોતરપુરમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદના નિકોલમાં અઢી ઈંચ, મેમકો અને નરોડામાં બે બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ચાંદખેડામાં બે ઈંચ , કઠવાડામાં દોઢ ઈંચ, સાયન્સસિટી વિસ્તારમાં એક ઈંચ વરસ્યો હતો. અમદાવાદના બાપુનગરમાં પડેલા ધોધમાર વરસાદે અનેક સોસાયટીની મુશ્કેલી વધારી હતી. વૈશાલી ફ્લેટના રસ્તાઓની સાથે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા હતા. ફ્લેટના અંદાજે 600 રહીશો પાણી ભરાવાના કારણે પરેશાન છે. ધોધમાર વરસાદના કારણે અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રસ્તા પર ભરાયેલા પાણીનો નિકાલ ન થતા લોકોએ ગટરના ઢાંકણા ખોલી નાખ્યા હતા. તો રખિયાલના અજીત મીલ પાસેના મુખ્ય રસ્તા પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નિકોલમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ગોપાલ ચોકથી શુકન ચાર રસ્તા પાસેના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. રસ્તા પર આવેલી દુકાનને વેપારીઓએ બંધ રાખવાની ફરજ પડી હતી. અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા હતા.
Join Our Official Telegram Channel: