Rain: રાજ્યમાં ચોમાસાને લઇને અંબાલાલ પટેલની આગાહી, આ દિવસથી રાજ્યમાં ફરી વરસશે ભારેથી અતિભારે વરસાદ
અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ મોટી આગાહી કરી હતી
ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ મોટી આગાહી કરી હતી. અંબાલાલ પટેલના મતે રાજ્યમાં સાત જૂલાઇથી ભારે વરસાદ વરસશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે હજુ પણ આગામી દિવસોમાં બે તબક્કામાં મેઘરાજા ગુજરાતના અનેક વિસ્તારમાં મન મૂકીને વરસશે. આગામી 7 થી 15 જૂલાઇ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ઉપરાંત 25 જૂલાઇથી 8 ઓગસ્ટ સુધીમાં ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ પડશે. ગુજરાતની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને બીજી વધુ એક સિસ્ટમ આવનારા દિવસોમાં બનશે. જેના પરિણામે પવન સાથે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. 25મી જૂલાઈથી 8મી ઓગષ્ટ સુધી પણ ફરી ભારે વરસાદ થશે. ઉત્તર ભારતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે.
ગુજરાત, દિલ્હી, યુપી સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ
આસામ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈમાં પણ વરસાદ ચાલુ રહેશે. રાજધાની દિલ્હીમાં સોમવાર, 3 જુલાઈએ વીજળી સાથે ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત હરિયાણાના નાર્નાઉ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયા છે. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના પ્રવેશ સાથે જ ધોધમાર વરસાદ એક સપ્તાહથી વરસી રહ્યો છે. સાયક્લોનિક સરક્યુલેશન તેમજ લો પ્રેશરથી ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદે જૂનાગઢ, જામનગર અને નવસારી તેમજ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે ત્યારે હવે સાબરકાંઠા ત્રણ જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ 4થી જુલાઈએ વરસાદની સંભવાન નથી જ્યારે પાંચમી જુલાઈએ છુટોછવાયો વરસાદ વરસી શકે છે.આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ આગામી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.