Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજ્યમાં આ વખતે ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. અમદાવાદ શહેરમાં બુધવારે સાંજે વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ: રાજ્યમાં આ વખતે ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. અમદાવાદ શહેરમાં બુધવારે સાંજે વરસાદ વરસ્યો હતો. આ સિવાય રાજકોટ, બનાસકાંઠા, કચ્છ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. શિયાળાની કાતિલ ઠંડી આ વર્ષે નથી પડી રહી અને કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે.
વાતાવરણમાં મોટો પલટો આવશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં મોટો પલટો આવશે. આ કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે કેટલાક સ્થળોએ છૂટ્ટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છના વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠા, સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને મોરબી, રાજકોટ તથા કચ્છ પંથકમાં હળવા કમોસમી વરસાદની આગાહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડીનો દૌર હજુ સુધી શરૂ થયો જ નથી. સામાન્ય રીતે નવેમ્બરના અંત કે ડિસેમ્બરના પ્રારંભે જ હાડ થીજવતી ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ વખતે વર્ષ 2025ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારબાદ આગામી ત્રણ દિવસ દરમિયાન ધીમે-ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસનો વધારો અને ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. વરસાદ અંગેની હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે.
પાકને સુરક્ષિત રાખવા ખાસ માર્ગદર્શિકા
ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં 01 જાન્યુઆરી, 2026 સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે પાકને સુરક્ષિત રાખવા ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.





















