Gujarat Rain: રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ
રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આજે સવારથી જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે.
ગાંધીનગર: રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આજે સવારથી જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે. હવામાન વિભાગના અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. પરિણામે ઉત્તર , મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ તેની અસર જોવા મળી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આવતીકાલે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડશે. વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. 40 કિમીની ઝડપે પવન ફૂંકાતો રહેશે.
રાજ્યમાં અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા છે. સૌરાષ્ટ્રના આ ત્રણેય શહેરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
બનાસકાંઠામાં સવારથી મૂશળધાર વરસાદ પડતાં અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા હતા. પાલનપુર, વડગામ, દાંતા, અંબાજીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ધાનેરા, થરાદ, દિયોદરમાં ધોધમાર વરસાદના કારણે સવાર બહાર જતા લોકોને મુશ્કેલી પડી હતી. કાંકરેજ અને દાંતીવાડામાં ભારે વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. બાજરી, જુવાર સહિતના ઉનાળું પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
ગાંધીનગર જિલ્લામાં વરસાદ
આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ગઇકાલે ભારે ગરમી અને બફારા બાદ ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગાંધીનગર સહિતના આજુબાજુના વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પેથાપુર, રાંધેજા, વાવોલ સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ
આજે સવારથી પાટણ અને મહેસાણામાં પણ વરસાદ તૂટી પડ્યો હતો. બહુચરાજી, ખેરાલું, ઊંઝા, વિસનગરમાં વરસાદ પડ્યો. કડી, મહેસાણા શહેર અને વિજાપુર તાલુકામાં વરસાદ પડ્યો, મહેસાણામાં ભારે પવનના કારણે વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયાના અહેવાલ છે. મહેસાણાના વાલમ અને ભાંડુમાં વરસાદ પડ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિતા વધી છે. ભારે પવનના કારણે ખેરાલુમાં વીજળી પણ ગૂલ થઇ ગઇ હતી.