(Source: ECI/ABP News/ABP Majha)
Chhota Udepur : બોડેલીના નાનીબૂમડી ગામે ઇકો કાર તણાઈ, કારમાં સવાર હતા પાંચ લોકો, જુઓ Video
Rain in Gujarat : ગત મોદી રાત્રે બોડેલીના નાનીબૂમડી ગામે ઇકો કાર તણાઈ હતી.
Chhota Udepur : છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. નદી-નાળા અને ચેકડેમ છલકાયા છે, જેના કારણે અનેક રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે, તો અમુક રસ્તો બંધ થયા છે. કોઝ-વે પરથી ધસમસતા પાણી પર કરવું જોખમી બની ગયું છે. આમ છતાં ઘણાં લોકો આવા કોઝ-વે પરથી વાહન પસાર કરવા જાય છે, પણ તેમાં સફળતા મળતી નથી અને મુશ્કેલીમાં ફસાઈ જાય છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં આવી જ ઘટના ઘટી છે.
નાનીબૂમડી ગામે ઇકો કાર તણાઈ, પાંચ લોકોનું રેસ્ક્યુ
ગત મોડી રાત્રે બોડેલીના નાનીબૂમડી ગામે ઇકો કાર તણાઈ હતી. નાનીબૂમડી ગામે કોઝ-વે પરથી જતા ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થતા સમયે આ કાર તણાઈ હતી. આ કારમાં પાંચ લોકો સવાર હતા, જેમના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે સ્થાનિકોએ તાબડતોબ રેસ્ક્યુ કરી કારમાં સવાર પાંચ લોકોને બચાવી લીધા હતા, જો કે કાર પાણીમાં તણાઈને કોઝ-વે પાસે ડૂબી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે આ કાર મધ્યપ્રદેશથી અમદાવાદ જઈ રહી હતી. જુઓ કારમાં સવાર પાંચ લોકોનું રેસ્ક્યુ અને કાર તણાવાનો આ વિડીયો -
દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં 1470 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને છોટાઉદેપુર નવસારી અને વલસાડમાં પડેલા ભારે વરસાદને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી હતી. રાજકોટ જિલ્લાના પ્રવાસમાંથી પરત આવી હેલિપેડથી સીધા જ ગાંધીનગરના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.તેમણે ખાસ કરીને 6 જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રીએ આ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેકટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતીનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં આજે દિવસ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા આ જિલ્લાના જિલ્લા કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી કરીને સ્થિતિનો સંપૂર્ણ જાયજો મેળવ્યો હતો.
આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારમાં તથા કાચા મકાનમાં રહેલા લોકોના સલામત સ્થળાંતર અને તેમની ભોજન-આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તેમણે સૂચનાઓ આપી હતી.છોટાઉદેપુરમાં 400 લોકો નવસારીમાં 550 લોકો અને વલસાડમાં 470 લોકો સહિત રાજ્યમાં 3250 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે.