કાળઝાળ ગરમી વચ્ચે આ જિલ્લાઓમાં આજે વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભાવનગર, અમરેલી, બોટાદમાં સામાન્યથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે.
દક્ષિણ અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં તાપમાન વધશે.
15 થી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી
આગામી 15 થી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ભાવનગર જિલ્લામાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો
શુક્રવારે ભાવનગર જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટા બાદ વરસાદની ગતિમાં વધારો થયો હતો. ઉનાળાના આકરા તાપ વચ્ચે શરૂ થયેલો કમોસમી વરસાદ હવે ચોમાસાની માફક વરસી રહ્યો હતો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધુ વધારો થયો હતો.
શહેરમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે વરસાદી છાંટા શરૂ થયા હતા. ત્યારબાદ વરસાદની ગતિ વધતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાકમાં નુકસાનની ભીતિથી વધુ ચિંતાતુર બન્યા હતા.
વરસાદની સાથે ગાજવીજ પણ થઈ રહી છે, જેના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જો કે, વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી છે.
માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતો અને વેપારીઓને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને લાલ અને સફેદ ડુંગળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કમોસમી વરસાદના કારણે છીનવાઈ ગયો છે. માર્કેટિંગ યાર્ડના ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલો ડુંગળીનો મોટો જથ્થો વરસાદી પાણીમાં પલળી ગયો છે.



















