રાજ્યના 153 તાલુકામાં મેઘમહેર, 6 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ
રાજ્યમાં 24 કલાકમાં 153 તાલુકમાં વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતના બોડેલી તાલુકમાં 17 ઈંચ વરસાદ વરસ્યો છે. ક્વાંટ તાલુકામાં 11 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગાંધીનગર: રાજ્યમાં 24 કલાકમાં 153 તાલુકમાં વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતના બોડેલી તાલુકમાં 17 ઈંચ વરસાદ વરસ્યો છે. ક્વાંટ તાલુકામાં 11 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાવીજેતપુર તાલુકમાં સાડા દસ ઈંચ, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા દસ ઈંચ વરસાદ વરસતા ચારે તરફ પાણી જ પાણી છે. ડાંગ જિલ્લાના વધઈમાં 10 ઈંચ તો આહવામાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લાના ડોલવણમાં 6 ઈંચ, છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં 6 ઈંચ જ્યારે નર્મદા જિલ્લાના સાગબારામાં પણ 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
બોડેલી તાલુકમાં 17 ઈંચ વરસાદ વરસ્યો
છોટાઉદેપુરના બોડેલી પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ છે. છેલ્લા ચાર કલાકમાં જ 12 ઈંચ સહિત છેલ્લા 24 કલાકમાં કુલ 17 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો. બોડેલીના ગોલા ગામડી ગામ બેટમાં ફેરવાયું છે. ગામ તરફ જવાના રસ્તા પર અનેક વાહનો ફસાઈ ગયા છે. કેટલાય વાહનચાલકોએ પાણી વચ્ચેથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરતા વાહન બંધ થઈ ગયા છે. આ તરફ સંખેડા તરફના રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા હતાં. બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદથી અકોટાદર ગામ, ખીમલીયા, મોતીપુરા ગામ, ગોપાલપુરા, મંગલભારતી અને ગોલા ગામડીના રોડ- રસ્તા જળમગ્ન થયા. આ ઉપરાંત પાનીયા ગામ પણ બેટમાં ફેરવાયું છે. હાલ સલામતીના ભાગરૂપે પોલીસે ગોલા ગામડી ચાર રસ્તાથી બોડેલી તરફ જવાનો રસ્તો બંધ કરાવી દીધો છે. હાલ પોલીસ બેરિકેડ લગાવી બોડેલી- છોટાઉદેપુર તરફ જવાના વાહનોને પરત મોકલી રહી છે.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં મંગળવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરેંદ્રનગર,જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.