3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
પોલીસની ત્વરિત કાર્યવાહી અને નવા કાયદાના સચોટ ઉપયોગથી પીડિતાને મળ્યો ઝડપી ન્યાય, ગૃહમંત્રીએ પાઠવ્યા અભિનંદન.

Valsad rape case update: વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં ૩ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ગંભીર ગુનાના માત્ર ૬ માસની અંદર અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારવામાં આવી છે. વલસાડ પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને માત્ર ૯ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને કોર્ટે ૬ મહિનામાં આરોપીને કડક સજા સંભળાવી છે. આ ઝડપી અને દાખલારૂપ કામગીરી બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
આ ઘટના ૨૭મી ઓગષ્ટ ૨૦૨૪ના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના સમયે બની હતી, જ્યારે ત્રણ વર્ષ અને ત્રણ માસની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ સાંજે ૬ વાગ્યે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં થતાં, પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ભોગ બનનાર બાળકીને મેડિકલ સારવાર માટે ખસેડી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 65(2) તથા પોકસો એક્ટની કલમ 4, 5(એમ), 6 અને 8 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ મહાનિરિક્ષક પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ચુનંદા અધિકારીઓની ટીમો બનાવવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ગુનો કર્યા બાદ પોતાના વતન ઝારખંડ ભાગી ગયો હતો. જો કે, વલસાડ ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરીને માત્ર એક કલાકમાં જ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પકડી પાડ્યો હતો.
નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવેની અધ્યક્ષતામાં રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરીને માત્ર ૯ દિવસમાં ૪૭૦ પાનાની ચાર્જશીટ નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટમાં રજૂ કરી હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીએ આ કેસમાં મજબૂત પુરાવા રજૂ કરીને માત્ર ૬ માસમાં ટ્રાયલ પૂર્ણ કરાવી હતી. આજે, તા.૨૪મી માર્ચ ૨૦૨૫ના રોજ નામદાર કોર્ટે આરોપીને દોષી જાહેર કરીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા અને રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે, તેમજ ભોગ બનનારને રૂ. ૬ લાખનું વળતર આપવાનો પણ હુકમ કર્યો છે.
વલસાડ પોલીસે નવા અમલમાં આવેલા ત્રણ કાયદા - ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આ પ્રશંસનીય કામગીરી કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસની સમગ્ર ટીમને આ ઝડપી અને ન્યાયી કાર્યવાહી બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે અને આ કેસને ગુજરાત પોલીસની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
