(Source: ECI/ABP News/ABP Majha)
રૂપાણી સરકારના ક્યા મંત્રીની તબિયત બગડતાં અમદાવાદની હાર્ટ હોસ્પિટલમાંથી તાત્કાલિક બોલાવાઈ ડોક્ટરની ટીમ, સૌરાષ્ટ્રના છે મંત્રી
સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી હૃદયરોગને લગતી યુ.એન. મહેતા હોસ્પિટલથી ધર્મેન્દ્રસિંહ જાડેજાના નિવાસ સ્થાને ડોક્ટરોની ટીમ બોલાવાઈ હતી
ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારના રાજય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલથી હૃદયરોગના નિષ્ણાતોને ઘરે બોલાવવા પડ્યા હતા. સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે થોડો તાવ અને કળતર જેવું રહેતાં ધર્મેન્દ્રસિંહ જાડેજા આજે ગૃહમાં નહોતા આવ્યાં. ધર્મેન્દ્રસિંહ પોતાનાં નિવાસ સ્થાને જ રહ્યા હતા અને ડોક્ટરોને બોલાવીને તેમની ઘરે જ સારવાર કરાઈ હતી.
સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી હૃદયરોગને લગતી યુ.એન. મહેતા હોસ્પિટલથી ધર્મેન્દ્રસિંહ જાડેજાના નિવાસ સ્થાને ડોક્ટરોની ટીમ બોલાવાઈ હતી અને તેમની સારવાર કરાઈ હતી. ડોક્ટરોની ટીમે ધર્મેન્દ્રસિંહ જાડેજાનો કોવિડનો ટેસ્ટ કરાવાશે એવો નિર્ણય પણ લીધો છે. આ પહેલાં એક વખત ધર્મેન્દ્રસિંહ કોરોનાં પોઝિટિવ થઈ ચૂક્યા છે. હવે ફરી કોરોનાએ ઉથલો માર્યો તો નથી ને તેની ચકાસણી કરવા માટે ફરી કોરોના ટેસ્ટ કરાશે.
તાજેતરમાં જામનગરના જી.આઈ.ડી.સી.દરેડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ધૈર્યરાજસિંહ માટે રૂ. 3.62 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને તકલીફ કે આફતના સમયે ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે. ત્યારે ગુજરાતના આ બાળકને સારવાર મળી રહે તે માટે જામનગર તથા સમગ્ર રાજ્યના નાગરિકોને પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
સોમવારે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતા. સોમવારે રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા હતા. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં સોમવારે 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348, લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.