Sabarkantha: પશુપાલકો સામે ઝુક્યા સાબર ડેરીના સત્તાધીશો, જાણો ભાવ વધારા અંગે શું આપી બાહેંધરી
સાબરકાંઠા: અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા પશુપાલકોના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ આખરે સાબર ડેરીના સત્તાધીશોએ નમતું જોખ્યું છે.

સાબરકાંઠા: અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા પશુપાલકોના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ આખરે સાબર ડેરીના સત્તાધીશોએ નમતું જોખ્યું છે. 2024માં ચૂકવાયેલ ભાવફેર જેટલો જ ભાવફેર આ વર્ષે પણ ચૂકવવાની બાંહેધરી આપવા સાબર ડેરી સંમત થઈ છે.
ઈડરમાં યોજાયેલી બેઠકમાં સમાધાન
આજે ઈડર ખાતે મળેલી બેઠકમાં સાબર ડેરીના વાઈસ ચેરમેને પશુપાલકોને ખાતરી આપી હતી કે, સાધારણ સભા મળશે તે જ દિવસે વધઘટનો ભાવફેર જાહેર કરી દેવામાં આવશે. આ ઉપરાંત, પશુપાલકો દ્વારા ડેરી સામે કરવામાં આવેલ કેસ પાછો ખેંચવા માટે સાબર ડેરી પોતે રજૂઆત કરશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી છે.
પશુપાલકોનો ઉગ્ર વિરોધ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકો દ્વારા ભાવફેરને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. અનેક દૂધ મંડળીઓ બંધ રાખીને પશુપાલકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, જેના કારણે ડેરી સત્તાધીશો પર દબાણ વધ્યું હતું અને આખરે તેમને પશુપાલકોની માંગણીઓ સ્વીકારવી પડી છે. આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધનિય છે કે, આ પહેલા અરવલ્લી જિલ્લામાં પશુપાલકો દ્વારા આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત્ રહ્યું હતપં. પોતાની માગણીઓ સંતોષાતી ન હોવાથી રોષે ભરાયેલા પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એટલું જ નહીં સાબર ડેરી વહીવટી તંત્રની નનામી કાઢી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આ આંદોલનના ભાગરૂપે જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં દૂધ ભરાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે ડેરીના દૂધ સંગ્રહ અને વિતરણ પર ગંભીર અસર પડી હતી. રસ્તા પર જાણે દૂધની નદી વહેતી થઈ હોય તેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા.
સાબર ડેરીમાં દૂધના ભાવફેર અને પોલીસ કાર્યવાહીના વિરોધમાં અરવલ્લી જિલ્લાના પશુપાલકોનું આંદોલન આજે ત્રીજા દિવસે પણ ઉગ્ર બન્યું હતું. હિંમતનગર ડેરી ખાતે થયેલા ઘર્ષણ અને પોલીસ ફરિયાદના વિરોધમાં પશુપાલકોએ તમામ દૂધ મંડળીઓમાં દૂધ ભરાવવાનું બંધ કરી, મંડળીઓ સામે દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શિત કર્યો.
વાંટા રામપુર ગામે દૂધ ઢોળવામાં આવ્યું, જ્યારે ઇસરોલ અને ઉમેદપુરમાં મહિલાઓએ સાબર ડેરી વહીવટી તંત્રની નનામી કાઢી દહન કર્યું. મેઘરજમાં પણ ચાલતા ટેમ્પોમાંથી દૂધના કેન રોડ પર ઢોળી દેવાયા. પશુપાલકો દૂધમાં 20-25% નફા સાથે ભાવફેર અને પોલીસ કેસ પરત ખેંચવાની માંગ કરી રહ્યા હતા. એક આંદોલનકારીના મૃત્યુના ન્યાયની પણ માંગ ઉઠી છે.





















