સાબરકાંઠા: ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, 6ના મોત, ૬ ગંભીર રીતે ઘાયલ
ST બસ, જીપ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર, ઘટનાસ્થળે જ 6 વ્યક્તિના નિપજ્યા મોત, ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, પોલીસ દ્વારા તપાસ શરૂ

Sabarkantha accident today: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અંબાજી રોડ પર આજે બપોરે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાતા છ વ્યક્તિના કરૂણ મોત નિપજ્યાં છે. હિંગટીયા ગામ પાસે થયેલા આ અકસ્માતમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, શનિવારે બપોરે અંબાજી વડોદરા રૂટની એસટી બસ, એક જીપ અને બાઈક વચ્ચે કોઈ અગમ્ય કારણોસર જોરદાર ટક્કર થઈ હતી. આ ગંભીર અથડામણના પરિણામે ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.
અકસ્માત એટલો ગંભીર હતો કે છ જેટલા લોકોને ગંભીર હાલતમાં ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મારફતે ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ તથા રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતના કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને કારણે ખેરોજ પોલીસે ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી પણ હાથ ધરી હતી. આ ઉપરાંત, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ પણ પોતાના સ્ટાફ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની સારવાર અંગેની માહિતી મેળવી હતી. પોલીસ દ્વારા આ ભયાનક દુર્ઘટના કયા સંજોગોમાં સર્જાઈ તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ અક્સમાતમાં મૃતકોના નામ
- પોપટભાઈ સકાભાઈ તરાલ ,ઉ વ:પુખ્ત,રહે:બુબડિયાના છાપરા ,તા-ખેડબ્રહ્મમા
- સાયબાભાઈ ગલબભાઈ બેગડીયા ,ઉ વ:પુખ્ત
- મંજુલાબેન D/O બચુભાઈ બેગડીયા (બાળકી) ઉંમર: આશરે ૧ વર્ષ,બંને રહે:ચાંગોદ ,તા:ખેડબ્રહ્મમા
- અજયભાઈ નવાભાઈ ગમાર , ઉ વ:પુખ્ત,રહે:નાડા,તા-પોશીના
હિંગટીયા પાસે થયેલા આ ત્રિપલ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનો અને સગા સંબંધીઓમાં ભારે ગમગીની અને આક્રંદ છવાઈ ગયો છે. પોલીસે મૃતકોના મૃતદેહોને પીએમ માટે ખસેડીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છના સામખિયાળી નજીક ગમખ્વાર અકસ્માત
કચ્છ જિલ્લાના સામખિયાળી નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં રાધનપુર બાજુથી આવી રહેલું એક ટેન્કર સામખિયાળી ટોલગેટ નજીક આગળ જઈ રહેલા કન્ટેનર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતના કારણે ટેન્કરની ચાલક કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ચાલક ગંભીર રીતે ફસાઈ ગયો હતો.
અકસ્માત એટલો જોરદાર હતો કે ટેન્કરનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ધડાકાભેર થયેલી ટક્કર બાદ ટેન્કરના ચાલક કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો અને તેને બહાર કાઢવા માટે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવાની જરૂર પડી હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સૌએ સાથે મળીને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ સ્થાનિક લોકો, પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમના સંયુક્ત પ્રયાસોથી કેબિનમાં ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
અકસ્માતમાં ઘાયલ થયેલા ટેન્કર ચાલકને તાત્કાલિક સારવાર માટે લાકડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત કયા કારણોસર થયો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે, સમયસર થયેલા રેસ્ક્યુ ઓપરેશનના કારણે ચાલકનો જીવ બચી ગયો હતો, પરંતુ આ અકસ્માતથી વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.




















