Gujarat Rain: રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની આગાહી વિશે
ખેડૂતોની માથે ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. જાન્યુઆરી 2024ની શરુઆતના અઠવાડીયામાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી આગાહી છે.
અમદાવાદ: ખેડૂતોની માથે ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. જાન્યુઆરી 2024ની શરુઆતના અઠવાડીયામાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી આગાહી છે. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ કમોસમી માવઠું પડી શકે છે. ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદની સંભાવના છે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. જ્યારે રાજસ્થાને અડીને આવેલા ગુજરાતના સરહદીય વિસ્તારમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાને પગલે કમોસમી વરસાદ વરસી શકે છે.
અરબ સમુદ્રમાં ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થાય તેવી શક્યતા છે. અરબ સુમદ્રનો ભેજ અને બંગાળના સાગરનો ભેજ, બે પરિબળ હવામાનના પલટા માટે કારણભૂત રહેશે. નવા વર્ષની શરુઆત સાથે જ કમોસમી વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં 28 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ રહેશે, જ્યારે પંજાબ અને હરિયાણામાં કોલ્ડવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાની કઠોરતા યથાવત છે. કેટલીક જગ્યાએ ગાઢ ધુમ્મસ છે તો અન્ય સ્થળોએ ઠંડીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે ઉત્તર ભારતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે.
દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસથી લોકો પરેશાન થવા લાગ્યા છે. IMD એ 25 થી 28 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે, જો કે, 29 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી હળવું ધુમ્મસ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં થોડીક ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ સિઝનમાં સામાન્ય છે.
હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં 30 ડિસેમ્બર, 2023 થી 1 જાન્યુઆરી, 2024 સુધી હળવાથી મધ્યમ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા મધ્ય ભારતમાં 30 ડિસેમ્બર 2023 થી 02 જાન્યુઆરી 2024 સુધી વરસાદની અપેક્ષા છે.