ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીનો વીડિયો વાયરલ થતાં સનાતનીઓમાં રોષ, સંપ્રદાયે કરી કાર્યવાહી.

Swaminarayan Gurukul viral video: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીનો કથિત વાયરલ વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં ગુરુકુળના ખજાનચીને ભગવાધારી યુવાન સાથે કથિત રીતે કામલીલા કરતા દર્શાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ સનાતની સમુદાયમાં ભારે આક્રોશ ફેલાયો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
વાયરલ થયેલો કથિત વીડિયો ધોરાજીના એક ગુરુકુળના ખજાનચી સ્વામીનો હોવાનું માનવામાં આવે છે. વીડિયોમાં દેખાતા સ્વામીજી એક યુવાન સાથે આપત્તિજનક સ્થિતિમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના પગલે સનાતની હિન્દુઓમાં તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.
સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વીડિયો વાયરલ થયા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયે તાત્કાલિક પગલાં લીધા છે. સંપ્રદાય દ્વારા વાયરલ વીડિયોમાં દેખાતા ખજાનચી સ્વામીને હકાલપટ્ટી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
દરમિયાન, મંદિર ટ્રસ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો 10 મહિના જૂનો છે. જો કે, આ દાવા છતાં, વીડિયોની ગંભીરતા અને તેનાથી ફેલાયેલા આક્રોશને જોતા મામલો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો.
આ ઘટના અંગે જ્યોતિર્નાથ મહારાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આવા "બાવાઓ" સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે અને સમાજના લોકોને પણ આવા સાધુઓનો બહિષ્કાર કરવા માટે અપીલ કરી છે. જ્યોતિર્નાથ મહારાજ અને અન્ય હિન્દુ સંતોએ વાયરલ વીડિયોને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકા કરી છે.
આ ઘટનાથી સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રતિષ્ઠાને ભારે ધક્કો પહોંચ્યો છે. સનાતની સમુદાયમાં લંપટ સાધુઓ સામે જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. હાલમાં, સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને સંપ્રદાય દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો....
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય





















