Crime News: આણંદ અને વાપીમાં અસામાજિક તત્વો બેફામ, લુખ્ખા તત્વો પાઈપ, લાકડી, ચપ્પા લઈને જાહેર રસ્તા પર.....
ભાવનગરમાં નવા વર્ષે હત્યાનો પ્રથમ બનાવ સામે આવ્યો છે. પાલીતાણા તાલુકાના હણોલ ગામના જગદીશભાઈ સરવૈયા નામના યુવકની હત્યા કરવામાં આવી છે.
Gujarat Crime News: આણંદના વલ્લભવિદ્યાનગરમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. વલ્લભવિદ્યાનગરના મોટા બજારમાં ગેંગવોર થઈ હતી. પાઈપ, લાકડી, ચપ્પા જેવા હથિયારો સાથે જાહેર રસ્તા પર અસામાજિક તત્વોએ આતંક મચાવીને આણંદ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. કાર પર લુખ્ખા તત્વોએ ધોકા પાઈપથી હુમલો કર્યો હતો. ગુંડાતત્વોના આતંકનો આ વીડિયો વાયરલ થયો છે. હાલ તો પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. પણ ચોંકાવનારી અને ચિંતાજનક વાત તો એ છે કે પોલીસે હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ કરી નથી.
વાપીમાં અસામાજિક તત્વોનો આતંક (Vapi Crime News)
તો આ તરફ વલસાડના વાપીમાં પણ ગુંડાતત્વોને જાણ પોલીસ અને કાયદાનો કોઈ ડર ન હોય તેમ જાહેર રસ્તા પર જ આતંક મચાવ્યો હતો. રામનગર વિસ્તારમાં છ જેટલા અસામાજિક તત્વોએ બે યુવાનો પર જીવલેણ હુમલો કર્યો હતો. બે યુવાનોને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. અસામાજીક તત્વોએ કરેલા હુમલામાં બંને યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો સમગ્ર મામલે ડુંગરા પોલીસે વાયરલ વીડિયોના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ભાવનગરમાં હત્યા (Bhavnagar Crime)
ભાવનગરમાં નવા વર્ષે હત્યાનો પ્રથમ બનાવ સામે આવ્યો છે. પાલીતાણા તાલુકાના હણોલ ગામના જગદીશભાઈ સરવૈયા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ભાઈનાં લગ્ન હોવાથી શુભ પ્રસંગે કંકોત્રી દેવા જતા જગદીશભાઈ પર ગઈ કાલ સાંજે પાલીતાણાના વાળુકડ પાસે જીવલેણ ઉમલો કરતા સારવાર દરમિયાન મોત થયું છે. સુરતમાં 2 વર્ષ પહેલા થયેલ મિત્રની હત્યા બાબતે કોર્ટમાં જુબાની આપતા હત્યા કરવામાં આવી છે. બનાવ અંગે પાલીતાણા રૂલર પોલીસ મથકમાં કુલ 6 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવને લઈ ભાવનગર માં ચકચારી મચી જવા પામી છે.
બનાસકાંઠામાં રાજસ્થાનની ગેંગનો આતંક (Banaskantha Crime)
બનાસકાંઠામાં રાજસ્થાનની 007 ગેંગનો ફરી એક વાર આતંક જોવા મળ્યો છે. અમીરગઢ વિસ્તારમાં 4 લોકોને ઇજાઓ પહોંચાડી છે. પાલનપુર સિવિલમાં 1 ગંભીર છે જ્યારે 3 સારવાર હેઠળ છે. ઘાતક હથિયારો સાથે 007 ગેંગ હુમલા કરે છે. અગાઉ પણ 007 ગેંગનાં લોકોએ હુમલો કર્યો હતો. રાજસ્થાનથી બાઈક પર આવી વારે તહેવારે લોકોને ઇજાઓ પહોંચાડે છે. અમીરગઢ પોલીસ મથકે 007નાં 3 લોકો સામે ફરિયાદ નોંધી છે.