Guarat Rain: 3 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
રાજ્યમાં હજુ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં હજુ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે.
7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગલ્ફ ઓફ કચ્છમાં વોલમાર્ક લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 3 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આજે વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે.
યલો એલર્ટ: આજે સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજકોટમાં મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી
રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી. ધીમીધારે વરસાદ હોવાથી મોટાભાગના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની પાંખી હાજરી જોવા મળી હતી. આયોજકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જોકે, મોટાભાગના અર્વાચીન રાસોત્સવ ચાલુ રહ્યા હતા.
બીજી તરફ ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોક, શાકમાર્કેટ, પંચ હાટડી વિસ્તાર, દ્વારકાધીશ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગ્રામ્ય પંથકના મોટી પાનેલી, કોલકી, ખારચીયા, ઢાંક, ગધેથડ, હરિયાસણ સહિતના ગામોમાં ઝરમર વરસાદ થયો છે.





















