(Source: ECI/ABP News/ABP Majha)
રૂપાણી સરકારે સોસાયટીમાં કરાતા ગરબા સામે કોઈ પગલાં નહીં લેવા પોલીસને સૂચના આપી ? જાણો મહત્વની વિગત
કોરોનાના કારણે જાહેર સ્થળે નવરાત્રિના આયોજન પર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે
ગાંધીનગરઃ કોરોનાના કારણે જાહેર સ્થળે નવરાત્રિના આયોજન પર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે પણ બંગલો કે સોસાયટીમનાં થોડાંક લોકો મળીને ગરબા કરે તો તેમની સામે કોઈ પગલાં નહીં લેવા રાજ્ય સરકારે બિનસત્તાવાર રીતે પોલીસને સૂચના આપી હોવાનો દાવો ગુજરાતના જાણીતા અખબારના અહેવાલમાં કરાયો છે.
આ અહેવાલ પ્રમાણે, નવરાત્રિની આરતી સમયે કરાતા પાંચ ગરબા કે પછી સોસાયટીમાં ઘર કે બંગલૉમાં પરિવારના ભેગા મળીને 15-20 વ્યક્તિ ગરબા રમે તેમની સામે કોઈ પગલાં નહીં લેવા માટે પોલીસને બિનસત્તાવાર રીતે રાજ્ય સરકાર દ્વારા સૂચના આપી દેવાઈ છે.
આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી કે સરકારનાં સૂત્રો કશું કહેતાં નથી પણ નવરાત્રિ રાજ્યનાં લોકોની ધાર્મિક લાગણી જોડાયેલી હોવાથી આ સૂચના અપાઈ હોવાનો અખબારનો દાવો છે. સરકારે સત્તાવાર રીતે જાહેર સ્થળો, જાહેર માર્ગો અને સાર્વજનિક સ્થળોએ માતાજીની પૂજા અર્ચના માટે પોલીસની મંજૂરી લેવી ફરજિયાત હોવાની ફરી સ્પષ્ટતા કરી છે. સાથે સાથે એ પણ કહ્યું છે કે, જાહેર સ્થળો કે પાર્ટી પ્લોટમાં કોઈ ગરબાની મંજૂરી નહીં જ મળે.
આ અખબારના અહેવાલમાં ગૃહ વિભાગના ટોચનાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, સરકાર કોરોનાને પ્રસરતો અટકાવવા માંગે છે અને લોકોની ધાર્મિક ભાવના દુભાય નહીં એવું પણ ઈચ્છે છે. આ કારણે જ કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન સાથે ઘરો-બંગલૉમાં થતાં પારિવારિક ગરબા પર કોઈ કાર્યવાહી નહીં કરવા પોલીસને સૂચના અપાઈ છે. ગુજરાતમાં માતાજીની આરતી સમયે શ્રધ્ધા વ્યક્ત કરવા પાંચ ગરબા કરવાની પરંપરા છે તેથી આ રીત કરાતા ગરબા પ્રત્યે પણ આંખ આડા કાન કરવાનું પોલીસને કહેવાયું છે. આ ગરબામાં પણ કોવિડ-19ના નિયમોનું કે ગરબા અંગેની અન્ય ગાઈડલાઈનનો ભંગ થશે તો પોલીસ સખ્ત પગલાં લેશે.