24 કલાક બાદ ગરમીમાં મળશે આંશિક રાહત, હવામાન વિભાગની આગાહી
કાલથી મહતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીના ઘટાડો થવાનો અંદાજ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતા ગરમીમાં રાહત મળશે

રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાં આંશિક રાહત મળશે. હવામાન વિભાગે આ અંગે આગાહી કરી હતી. કાલથી મહતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીના ઘટાડો થવાનો અંદાજ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતા ગરમીમાં રાહત મળશે. બુધવારે 43.3 ડિગ્રી ગરમી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 42.5 ડિગ્રી સાથે અમરેલી બીજા તો 41.9 ડિગ્રી સાથે અમદાવાદ ત્રીજા ક્રમે રહ્યું હતું.
હવામાન વિભાગના મતે રાજ્યભરમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાવવાની સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ નજીક સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થતા તાપમાનમાં ઘટાડો થયો હતો. જોકે હજુ આજના દિવસે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે આમ તો બુધવારથી જ ગરમીમાં સાધારણ ઘટાડો થયો હતો. જોકે શુક્રવારથી તો તાપમાનનો પારો 39થી 40 ડિગ્રી આસપાસ આવી જશે. બુધવારના 43.3 ડિગ્રી ગરમી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. તો અમદાવાદમાં તાપમાનનો પારો 41.9 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ અમદાવાદ અને રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યકત કરી છે.
દેશભરમાં હવામાનની પેટર્ન ફરી એકવાર બદલાઈ
દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં હવામાનની પેટર્ન ફરી એકવાર બદલાઈ ગઈ છે. કેટલીક જગ્યાએ ગરમીને કારણે પરિસ્થિતિ ખરાબ છે, તો કેટલીક જગ્યાએ તોફાન અને વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દરમિયાન, હવામાન વિભાગે આજ માટે આગાહી જાહેર. આ મુજબ, આજે દેશના વિવિધ ભાગોમાં હવામાનની પેટર્ન બદલાતી રહેશે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હિટવેવ યથાવત રહેશે. જ્યારે ઉત્તરપૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.
દિલ્હી-એનસીઆરમાં ગરમીને લઇને એલર્ટ
દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં આજે હવામાન ગરમ અને સૂકું રહેશે. IMD અનુસાર, મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 થી 24 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં લૂની સ્થિતિ યથાવત રહેશે. આકાશ સ્વચ્છ રહેશે, અને પવનની ગતિ 10-15 કિમી પ્રતિ કલાક રહેશે.

