કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની માંગ, પાટીદારોની જેમ અન્ય સમાજ પરના કેસ પરત ખેંચે ગુજરાત સરકાર
Banaskantha News : કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો જિજ્ઞેશ મેવાણી, ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબહેન ઠાકોરે માંગ કરી છે કે ગુજરાત સરકાર પાટીદારોની જેમ અન્ય સમાજ પરના કેસ પાછા ખેંચે.
Banaskantha : ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ થયેલા વિરોધ પ્રદર્શન અને તોફાનોમાં પાટીદારો સામે કરેલા કેસ પાછા ખેંચ્યા છે. હવે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ માંગ કરી છે કે જેમ પાટીદારો પરના કેસ પરત ખેંચાયા, તેમ અન્ય સમાજ સામેના કેસ પણ પરત ખેંચવામાં આવે.
ઉત્તર ગુજરાતના 3 ધારાસભ્યો જિજ્ઞેશ મેવાણી, ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબહેન ઠાકોરે આ માંગ સાથે હુંકાર કર્યો કે, આવતીકાલે બનાસકાંઠાના વાવમાં જનવેદના સંમેલન યોજાશે.જેમાં પદ્માવતી ફિલ્મના વિરોધ વખતે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસ, ઊનાકાંડ વખતે દલિતો પર થયેલા કેસ અને આંદોલનો વખતે અન્ય સમાજ સામે થયેલા કેસ પરત ખેંચવા માંગ કરવામાં આવશે . સાથે ત્રણેય ધારાસભ્યોએ ચીમકી ઉચ્ચારી કે જો ચૂંટણી પહેલાં તેમની માંગ ન સંતોષાઈ તો આ આંદોલન રાજ્યસ્તરે લઇ જવામાં આવશે.
આવતીકાલે વાવમાં કોંગ્રેસના જન વેદના આંદોલનને લઈને વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યએ પત્રકાર પરિષદ કરી હતી. ગુજરાતમાં સર્વ સમાજ પરના કેસ પરત ખેંચાય તેને લઈને આવતી કાલે જન વેદના આંદોલનનું મંડાણ થશે અને આંદોલન આગામી સમયમાં રાજ્ય વ્યાપી હશે.
વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આવતીકાલે વાવમાં યોજાનાર જન વેદના સંમેલનને લઈને પત્રકાર પરિષદ કરી હતી. ગુજરાતમાં પાટીદાર સમાજ પર કેસ થયા હતા અને એ પરત ખેંચાયા છે ત્યારે હવે આ ધારાસભ્યોની માગણી છે કે ગુજરાતમાં સર્વ સમાજ છે અને સરકાર પણ સર્વ સમાજની છે. સર્વ સમાજ પર થયેલા કેસ જેમાં પોલીસ ફરિયાદ હોય જેમાં સરકાર ફરિયાદી હોય એવા કેસ પરત ખેંચવા જોઈએ.
સાથે-સાથે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકારના ચરિત્ર અને વર્તનને ખરાબ બતાવ્યું હતું ખોટા કેસ કરી અને ટાર્ગેટ કરી અને ગેરબંધારણીય વર્તન સરકાર કરી રહી હોવાના આરોપ લગાવ્યા હતા. જોકે ગુજરાતમાં દરેક જિલ્લામાં એક દરેક તાલુકામાં દારૂની રેલમછેલ છે. વડગામ તાલુકામાં અગાઉ પણ લઘુમતી કોમના બોતેર જેટલા લોકો પર ખોટા કેસ કરીને જેલમાં ધકેલાયા હતા ત્યારે હવે સમગ્ર ગુજરાતના આંદોલનકારી અને કોંગ્રેસ તમામ સમાજના કેસ પરત ખેંચવા માટે આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન થશે.