(Source: ECI/ABP News/ABP Majha)
Accident: પાટણમાં સમી-શંખેશ્વર હાઈવે પર આઈસર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, ત્રણ યુવકોના મોત
પાટણના સમી-શંખેશ્વર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવકોના મોત થયા હતા
પાટણના સમી-શંખેશ્વર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, પાટણના સમી-શંખેશ્વર હાઈવે પર કાર અને આઈસર ટ્રક વચ્ચે મોડી રાતે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવાનોના મોત થયા હતા. ત્રણેય મૃતક યુવાનો રાધનપુર તાલુકાના વતની હોવાની જાણકારી મળી રહી છે.
પાટણમાં સમી-શંખેશ્વર હાઇવે પર સમી નર્મદા કેનાલ નજીક કાર આઈસર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે સમી પોલીસ પણ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.
અમદાવાદમાં પણ ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. શહેરના સરખેજ-જુહાપુરા રોડ પર ટ્રક ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારતા મહિલાનું મોત થયું હતું. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
નડિયામાં નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. નડિયાદમાં નશાની હાલતમાં બેફામ કાર ચાલકે બે કાર, એક લારીને ટક્કર મારી હતી. રવિ સિંહ નામના પરપ્રાંતિય કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. તેની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લારી ચાલકને હોસ્પિટલ ખસેડાયો હતો. નડિયાદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
તાજેતરમાં જ સુરતમાં ગંભીર અકસ્માતના કેસમાં પ્રથમ વખત પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ પૂર્વે દારૂના નશામાં ધૂત નબીરાએ સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટ પર બેફામ કાર હંકારી પાંચ લોકોને ઈજા પહોંચાડી હતી. હવે અકસ્માત સર્જનાર સાજન ઉર્ફે સની રાકેશ પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાકેશ પટેલ સામે પોલીસે પાસા હેઠળ કડક કાર્યવાહી કરી હતી. રાકેશ પટેલની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલના હવાલે કર્યો હતો. અત્યાર સુધી સુરત પોલીસે જુદા- જુદા ગંભીર ગુનાઓમાં પકડાયેલા આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી હોવાના અનેક કિસ્સા છે.પરંતુ ઓવરસ્પીડમાં કાર ચલાવી અકસ્માત કરનાર સામે પાસા હેઠળ કાર્યવાહીનો આ પ્રથમ કિસ્સો છે. સુરત પોલીસે સમાજમાં દાખલો બેસાડવા અનોખી પહેલ શરૂ કરી છે. અકસ્માતના કેસમાં આજ સુધી ક્યારેય પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી નથી