Unseasonal Rain : ગુજરાત પર હજુ પણ માવઠાનું સંકટ, જાણો હવામાન વિભાગે આજે ક્યાં કરી છે વરસાદની આગાહી
Unseasonal Rain : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે
Unseasonal Rain : ગુજરાત પર હજુ પણ માવઠાનું સંકટ મંડરાઇ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આજે સુરત, ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી બે દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.
તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના મતે 10 અને 11 ડિસેમ્બરના છૂટાછવાયા વરસાદની આશંકા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં આ દરમિયાન વરસાદી ઝાપટા વરસવાનું અનુમાન વ્યકત કર્યું છે.
હવામાન વિભાગના અનુસાર આજે છૂટોછવાયો વરસાદ પડશે. આજે સુરત, ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લામાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે આગામી બે દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું તો ભુજ અને ડીસામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 20 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમરેલી જિલ્લામાં મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો ખુશખુશાલ છે. ટેકાના ભાવ કરતાં ખુલ્લા બજારમાં મગફળીના સારા ભાવ મળી રહ્યાં છે. સરકારે પ્રતિ મણ મગફળીના 1275 રૂપિયા જાહેર કર્યા છે. જો કે, ખુલ્લા બજારમાં 1250 થી 1500 સુધીના ભાવ મળી રહ્યા છે. ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોએ નોંધણી તો કરાવી છે પણ ખુલ્લા બજારમાં સારા ભાવ મળતા અમરેલી જિલ્લાના 9 કેન્દ્રમાંથી એક પણ કેન્દ્રમાં ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યો નથી. ખેડૂતોના મતે સરકારે ખુલ્લા બજારમાં મળતા ભાવ કરતાં ટેકાના ભાવ વધુ રાખવા જોઈએ.
આંધ્ર પ્રદેશ સાથે ટકરાશે સાયક્લોન મિચોંગ
બીજી તરફ સાયક્લોન મિચોંગ' આજે એટલે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ માહિતી આપી હતી. વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ગંભીર ચક્રવાતી તોફાન 'મિચોંગ' આજે બપોરે 2.30 વાગ્યે ચેન્નઈથી 100 કિમી ઉત્તર-પૂર્વમાં અને નેલ્લોરથી 120 કિમી દક્ષિણ-પૂર્વમાં બંગાળની ખાડી પર કેન્દ્રિત છે." તે ધીમે ધીમે તીવ્ર બનશે અને ઉત્તર તરફ આગળ વધશે અને 5 ડિસેમ્બરની બપોરે એક ગંભીર ચક્રવાતી તોફાન તરીકે બાપટલા નજીક નેલ્લોર અને મછલીપટ્ટનમની વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે.