1 એપ્રિલથી જ રાજ્યમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં એપ્રિલ મહિનાની શરુઆત સાથે જ કમોસમી વરસાદ વરસશે. આ સમાચારના પગલે રાજ્યના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં એપ્રિલ મહિનાની શરુઆત સાથે જ કમોસમી વરસાદ વરસશે. આ સમાચારના પગલે રાજ્યના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. 1 એપ્રિલથી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે જ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 1 એપ્રિલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.
ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 એપ્રિલથી દક્ષિણ ભારતમાં કેરળથી કર્ણાટક મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની પ્રબળ શક્યતા છે જેની અસર ગુજરાતમાં પણ થઇ શકે છે. જેથી ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, નર્મદા,તાપી, અમરેલી,ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 2 એપ્રિલના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ,ખેડા,પંચમહાલ,આણંદ,વડોદરા,બોટાદ,અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,સંગ,વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણનું અનુમાન
હવામાન વિભાગે 1થી 4 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણનું અનુમાન વ્યક્ત કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 1 એપ્રિલથી 5 તારીખ સુધી વાતાવરણમાં પલટાના કારણે એક કે બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળી શકે તેમ છે. 8 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી ગરમી જોર પકડતાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં તાપમાનનો પાર 40 ડિગ્રીને પાર પહોંચે તેવુ અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં માવઠાંની આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાંની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભરઉનાળે એપ્રિલની ગરમીમાં 31 માર્ચથી એપ્રિલના પ્રથમ બે દિવસ દરમિયાન વરસાદની આગાહી કરાઈ છે. કાળઝાળ ગરમીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 31મી માર્ચથી એપ્રિલના પહેલા અઠવાડિયા દરમિયાન વરસાદ વરસી શકે તેવું અનુમાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ બદલાતી મોસમમાં કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.





















