Statue of Unity: સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે યુપીના ઉપ મુખ્યમંત્રી, નજારો જોઈને ગદગદ થયા કેશવ પ્રસાદ મૌર્ય
Statue of Unity: ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી હતી.

Statue of Unity: ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી હતી. મૌર્યએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.
एक भारत - श्रेष्ठ भारत
— Keshav Prasad Maurya (@kpmaurya1) May 8, 2025
सरदार जी का स्वप्न अधूरा, मोदी जी ने उसे किया पूरा।
नया भारत और राष्ट्रीय एकता का अद्भुत व अविस्मरणीय तीर्थस्थल है स्टैच्यू ऑफ यूनिटी। भारत की आज़ादी की एकता की धुरी के नायक लौहपुरुष भारत रत्न सरदार वल्लभभाई पटेल जी की प्रतिमा जो दुनिया की सबसे ऊंची… pic.twitter.com/XGBX0ZvZMR
આ પ્રસંગે પ્રતિમાની અનોખી ભવ્યતાને નિહાળતા ઉપ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે નર્મદા મૈયાના આશિર્વાદથી મને આ અદભૂત સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવીને વિશ્વની સૌથી વિરાટ સરદાર સાહેબની પ્રતિમા દર્શન કરવાનો લ્હાવો મળ્યો છે. સરદાર પટેલ સાહેબના વિચારધારા રાષ્ટ્રની એકતા પર કેન્દ્રિત હતી. દેશી રજવાડાઓને ભારતનો ભાગ બનાવીને દેશની એકતાને વધુ મજબુત બનાવી છે. ત્યારે પીએમ મોદીએ પણ રાષ્ટ્રીય એકતાને કેન્દ્રસ્થાને રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે.
વધુમાં કેશવપ્રસાદ મૌર્યએ ઉમેર્યુ કે, વડાપ્રધાનના દ્રઢ સંકલ્પ શક્તિના પરિણામસ્વરૂપે તૈયાર થયેલા આ રાષ્ટ્રીય એકતાના તીર્થસ્થળ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લોકોએ મુલાકાત લેવી જોઈએ. અહીં રોજગારીની નવી તકો ઉપલબ્ધ થઈ છે. અહીંની સુવિધાઓ, સૌંદર્ય અને વિવિધ પ્રકલ્પોની મુલાકાત પણ લેવી જોઈએ.
નોંધનીય છે કે, મૌર્યએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર, ભૂમિકા અને બહુમૂલ્ય યોગદાન વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત, તસવીરી પ્રદર્શન પણ નિહાળ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ મને સરદાર સાહેબના દ્રઢ નેતૃત્વ અને એકતાના સંદેશને નજીકથી સમજવાનો મોકો મળ્યો છે.
ઉપ મુખ્યમંત્રીએ ૪૫ માળની ઉંચાઇએ આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એટલે કે પ્રતિમાના હૃદયસ્થાનેથી નર્મદા નદી, સરદાર સરોવર નર્મદા ડેમનો અદભૂત નજારો માણવા સાથે વિધ્યાંચલ અને સાતપુડાની ગીરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી (ઓથોરિટી) તરફથી તેઓને કોફીટેબલ બુક અને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય એકતાનગર સર્કિટ હાઉસ આવી પહોંચ્યાં હતા. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર દર્શક વિઠલાણી સહિતના અધિકારીઓએ તેઓનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.





















