આજે રાજ્યમાં વેક્સિનેશન મહાઅભિયાન, 7,500 ગામડામાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
આ મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે ડ્યુ લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે.
પ્રધાનમંત્રી મોદીના 71મા જન્મદિવસની ભાજપ દેશભરમાં ઉજવણી કરી રહ્યું છે. આ અંતર્ગત દેશભરમાં આજે દોઢ કરોડ લોકોને વેક્સિનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોવિડ રસીકરણ મહાઅભિયાનનો રાત્રીના 12 વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં આજે રસીકરણ ડ્રાઈવ અંતર્ગત 7 હજાર 500 ગામડામાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યમાં આજે રસી મહાઅભિયાન અંતર્ગત 35 લાખથી વધુ લોકોને આવરી લેવાનું આયોજન કરાયું છે. એટલુ જ નહિ, રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ પરિવારોને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા આવતી આજથી જ નિષ્ણાંત તબીબી ટીમ સાથે દિનદયાલ ઔષધાલય ઉભા કરવામાં આવશે.
આ મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે ડ્યુ લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે. આરોગ્ય અગ્ર સચિવે રસીકરણમાં ગુજરાતની સિદ્ધી અંગે કહ્યું કે દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.
તા. ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ ૫.૩૩ કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ ૮,૩૪,૭૮૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે. રાજ્યમાં કુલ ૫,૯૦૬ ગામડાઓ, ૧૦૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૪ શહેરી આરોગ્ય કેન્દ્ર તથા ૧૭ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યુ છે.
રાજ્યમાં કોવિડ-૧૯ રસીના સ્ટોરેજ ૬ ઝોન કક્ષાના વેકસીન સ્ટોર, ૪૧ જિલ્લા કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા રર૩૬ કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે.
રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 14 લોકોને પ્રથમ ડોઝ અને 1583 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 27448 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 36398 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 82337 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,17,780 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 2,65,560 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,35,85,394 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.