Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લાના વસોમાં 24 કલાકમાં 17 ઇંચથી પણ વધુ આફતરૂપી વરસાદ ઝીંકાતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે.

- ખેડાના વસોમાં ૧૭ ઇંચ વરસાદ; ગામ જળબંબાકાર, મંડળીને નુકસાન.
- ખેડામાં વરસાદ અટક્યો, નીચાણવાળા વિસ્તારો હજુ જળબંબાકાર છે.
- આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, ૬ જિલ્લા રેડ એલર્ટ.
Kheda Rain: ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લાના વસોમાં 24 કલાકમાં 17 ઇંચથી પણ વધુ આફતરૂપી વરસાદ ઝીંકાતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. વસોની ગ્રામ પંચાયત અને મુખ્ય બજાર સહિતના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વહેલી સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદને કારણે ગામની સેવા સહકારી મંડળીમાં પણ પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ત્યાં રાખવામાં આવેલ ખાતર, બિયારણ તેમજ કરિયાણાના સામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
બીજી તરફ, ખેડા જિલ્લામાં ગઈકાલે મધ્યરાત્રિના 12 વાગ્યાથી મેઘરાજાએ ખમૈયા કરતા અને મોડી રાત બાદ વરસાદ સંપૂર્ણ બંધ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 8 કલાકથી વરસાદ અટકેલો હોવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો...Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
નડિયાદના શ્રેયસ, માઈ મંદિર, વૈશાલી અને ખોડિયાર ગરનાળામાં હજુ પણ ભારે પાણી ભરાયેલા છે. આ ઉપરાંત શહેરના વાણિયાવાડ, કોલેજ રોડ, મિશન રોડ, રબારી વાસ, મિર્ઝા દરવાજા, સંતરામ રોડ અને VKV રોડ પર સવાર સુધી પાણીનો ભરાવ જોવા મળ્યો હતો. વરસાદ બંધ થતાંની સાથે જ સ્થાનિક તંત્ર અને કોર્પોરેશન દ્વારા ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે. 6 જિલ્લામાં અતિભારે તો 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. નોંધનિય છે કે, મધ્યપ્રદેશના વિદર્ભ વિસ્તારમાં બનેલા ડિપ્રેશન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સક્રિય ટ્રફના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.
આ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ
- અમદાવાદ
- આણંદ
- બોટાદ
- ભાવનગર
- રાજકોટ
- સુરેન્દ્રનગર
હવામાન વિભાગે આજે રાજ્યના અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર
- કચ્છ
- મોરબી
- અમરેલી
- ભરૂચ
- અરવલ્લી
- ગાંધીનગર
- સાબરકાંઠા
- મહેસાણા
- પાટણ
- બનાસકાંઠા
વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતી હોવાથી ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે ઉપરોક્ત જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. નોંધનિય છે કે ગાજવીજ સાથે વરસાદ વરસવાની સાથે પવનની ગતિ પણ વધી શકે છે. 50 કિમીની ઝડપે પવન ફુંકવાની સાથે આ 10 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.





















