મહાશિવરાત્રિએ મેઘતાંડવ?: અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે
ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ-બરફવર્ષાનું એલર્ટ, પૂર્વ ભારતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, ગુજરાતમાં તાપમાન વધશે

Gujarat Weather: આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના પાવન પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી થવાની છે, પરંતુ હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન દેશના કેટલાક ભાગોમાં હવામાનમાં મોટા પલટાની આગાહી કરી છે. એક સક્રિય પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન વ્યાપક વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. બીજી તરફ, પૂર્વ ભારતમાં આજે 22 અને 23 ફેબ્રુઆરીના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અનેક રાજ્યોમાં તીવ્ર પવન અને વીજળીના ચમકારા સાથે હવામાનમાં અણધાર્યો બદલાવ આવી શકે છે. જો કે, ગુજરાતમાં હાલ પૂરતી તેની અસર ઓછી જોવા મળશે, પરંતુ આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, 24 ફેબ્રુઆરીની રાત્રે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતના હવામાનને પ્રભાવિત કરશે. જેના પરિણામે 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. આ ઉપરાંત, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ હવામાનની પરિસ્થિતિના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં બપોરના સમયે મહત્તમ તાપમાનમાં વધારો થશે અને ગરમીનો અનુભવ થશે. ગુજરાતમાં આગામી બે દિવસ માટે હાલનું હવામાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની આગાહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધીમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં માવઠું વરસવાની સંભાવના છે. તેમના અનુમાન મુજબ, ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 27 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, જે 31 થી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ ફેરફારના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી શક્યતા છે. આગાહીને પગલે ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. માવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. માર્ચ મહિનામાં સામાન્ય રીતે ગરમીની શરૂઆત થતી હોય છે, ત્યારે કમોસમી વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક, બાજરી, મકાઈ વગેરે પાકોને નુકસાન થવાની સંભાવના છે.
આ પણ વાંચો....
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી





















