Gujarat Rain: સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ, જાણો ક્યાં પડશે વરસાદ
રાજ્યમાં આજે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં આજે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 24 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં વરસાદનું અનુમાન
રાજ્યમાં આજે પણ મેઘરાજા અનેક જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે. બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના જામનગર, મોરબી અને દ્વારકામાં મુશળધાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.39 ટકા
ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.39 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 63.35 ટકા ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં 56.32 ટકા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 52 ટકાથી વધુ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.06 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
ચોમાસા દરમિયાન રાજ્યના 141 તાલુકામાં 251થી 500 મિમિ સુધી, 55 તાલુકામાં 501થી 1000 મિમિ તેમજ 18 તાલુકામાં 1000 મિમિથી વધુ એટલે કે 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને જોડિયા સાડા ત્રણ ઇંચથી વધુ, જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકામાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ અને વાપી તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની 12 ટુકડીઓ અને SDRFની 20 ટુકડીઓ વિવિધ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે NDRFની વધુ 3 ટુકડીઓને રીઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત SDRFની 20 ટીમ સિવાય 13 ટીમને હેડ ક્વાર્ટર ખાતે રીઝર્વ મુકવામાં આવી છે. રાજ્યના માછીમારોને પણ આગામી તા. 22 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.





















