(Source: ECI/ABP News/ABP Majha)
Adipurush : હાઈકોર્ટે ફિલ્મ આદિપુરૂષની કાઢી આકરી ઝાટકણી, મેકર્સને ઘઘલાવતા કહ્યું કે...
હાઈકોર્ટમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ શ્રીપ્રકાશ સિંહની ડિવિઝન બેન્ચે આજે 'વાંધાજનક ફિલ્મ' અંગેની અમારી અરજીની સુનાવણી દરમિયાન સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતાઓને ઠપકો આપ્યો હતો.
Allahabad High Court Slams : ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થયાને દસ દિવસ વીતી ગયા છે પરંતુ તેને લગતા વિવાદો હજી પણ ચાલુ જ છે. દર્શકોએ ફિલ્મના ડાયલોગ્સ સામે વાંધો ઉઠાવ્યો હતો. તો બીજી તરફ એડવોકેટ કુલદીપ તિવારીએ પણ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં આ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતા-નિર્દેશકને આકરી ઝાટકણી કાઢી બરાબરની ફટકાર લગાવી હતી.
આદિપુરુષને લઈ હાઈકોર્ટમાં સુનાવણી
અરજીકર્તા કુલદીપ તિવારીએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદન અનુસાર, હાઈકોર્ટમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ શ્રીપ્રકાશ સિંહની ડિવિઝન બેન્ચે આજે 'વાંધાજનક ફિલ્મ' અંગેની અમારી અરજીની સુનાવણી દરમિયાન સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતાઓને ઠપકો આપ્યો હતો.
વરિષ્ઠ વકીલ રંજના અગ્નિહોત્રીએ કોર્ટને વાંધાજનક તથ્યો વિશે જાણ કરી અને વિરોધ નોંધાવ્યો હતો. સેન્સર બોર્ડ વતી એડવોકેટ અશ્વિની કુમાર હાજર રહ્યા હતા. 22 જૂને પ્રસ્તુત અમેંડમેંત એપ્લિકેશનને ન્યાયાલય દ્વારા સ્વિકારવામાં આવતા કોર્ટે સેન્સર બોર્ડ વતી હાજર રહેલા એડવોકેટ અશ્વિની સિંહને પૂછ્યું હતું કે, સેન્સર બોર્ડ શું કરવા ધારે છે? સિનેમા એ સમાજનું દર્પણ છે, તમે આવનારી પેઢીને શું શીખવવા માંગો છો? શું સેન્સર બોર્ડ પોતાની જવાબદારી નથી સમજતું?
કોર્ટે એમ પણ કહ્યું હતું કે, માત્ર રામાયણ જ નહીં પરંતુ કમ સે કમ પવિત્ર કુરાન, ગુરુ ગ્રંથ સાહિબ અને ગીતા જેવા ધાર્મિક ગ્રંથોને બક્ષો. બાકી જે સંજીવની આપતા દર્શાવવા, વાંધાજનક સંવાદો અને અન્ય તમામ તથ્યો કોર્ટમાં રાખવામાં આવ્યા હતા જેના પર કોર્ટે સંમતિ દાખવી હતી. હવે મંગળવાર એટલે કે 27 જૂને ફરી એકવાર આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
અરજીમાં કરાયેલા આક્ષેપો
સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ' ઘણા દિવસોથી કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલી છે. તેની સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરતી વખતે એડવોકેટ કુલદીપ તિવારીએ ફિલ્મના નિર્માતાઓ પર મોટા આરોપો લગાવ્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ ફિલ્મમાં શ્રી રામ કથાને બદલીને નિમ્ન કક્ષાની બતાવવામાં આવી છે. કુલદીપે પોતાની અરજી દાખલ કરીને ફિલ્મમાં સુધારો કરવા અને સંવાદ લેખક મનોજ મુન્તાશીરને પક્ષકાર બનાવવા વિનંતી કરી હતી.
'આદિપુરુષ'માં હનુમાન, રાવણ, ઈન્દ્રજીત જેવા પાત્રોના સંવાદ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જ્યારે દર્શકોએ તેનો બહિષ્કાર કરવાની માંગ ઉઠાવી ત્યારે નિર્માતાઓએ ડાયલોગ બદલવાનો નિર્ણય કર્યો. હવે ફિલ્મના ડાયલોગ્સ બદલવામાં આવ્યા છે, પરંતુ ફિલ્મને તેનો ખાસ ફાયદો નથી મળી રહ્યો. દરમિયાન આને લગતા વિવાદો પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. પ્રભાસ સાથે આ ફિલ્મમાં કૃતિ સેન, સૈફ અલી ખાન અને સની સિંહે કામ કર્યું છે. ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત અને લેખક મનોજ મુન્તાશીર છે.