Anju: ભારતીય યુવતી અંજૂના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાએ પોલીસને આપેલી એફિડેવિટમાં શું શું કહ્યુ?
રાજસ્થાનના ભિવાડીથી પાકિસ્તાન પહોંચેલી અંજુનો કિસ્સો ચર્ચામાં છે
રાજસ્થાનના ભિવાડીથી પાકિસ્તાન પહોંચેલી અંજુનો કિસ્સો ચર્ચામાં છે. જ્યારે એક તરફ એવું કહેવામાં આવી રહ્યું હતું કે અંજુ તેના પ્રેમી નસરુલ્લા સાથે સગાઈ કરવા પાકિસ્તાન ગઈ છે. તો બીજી તરફ અંજુ અને નસરુલ્લાએ આ વાતોને નકારી કાઢી હતી અને કહ્યું કે તેઓ માત્ર મિત્રો છે. તેમનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. દરમિયાન, પાકિસ્તાન પોલીસ તરફથી જાણવા મળ્યું છે કે નસરુલ્લાએ એફિડેવિટ તેમને જમા કરાવી છે.
નસરુલ્લાએ અંજુ સાથેની તેની મિત્રતામાં કોઈપણ પ્રેમના એંગલને નકારી કાઢ્યો છે. નસરુલ્લાએ આપેલા એફિડેવિટ મુજબ, તેમની (અંજુ અને નસરુલ્લા) મિત્રતામાં કોઈ પ્રેમ સંબંધ નથી અને અંજુ 20 ઓગસ્ટે ભારત પરત ફરશે. એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે અપર ડીર જિલ્લામાંથી બહાર નહીં જાય.
તેના વિઝા દસ્તાવેજો મુજબ તે ચોક્કસપણે 20 ઓગસ્ટના રોજ પરત જશે એમ જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) મુશ્તાક ખાને જણાવ્યું હતું. ખાને રવિવારે તેમની ઓફિસમાં અંજુ સાથે પૂછપરછ કરી હતી અને તેના પ્રવાસ દસ્તાવેજો તપાસ્યા હતા. જેના આધારે તેને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
પેશાવરથી લગભગ 300 કિમી દૂર જિલ્લાના કુલશો ગામમાંથી નસરુલ્લાએ એક ન્યૂઝ એજન્સીને ફોન પર જણાવ્યું કે, "અંજુ પાકિસ્તાનના પ્રવાસે છે અને અમારી લગ્ન કરવાની કોઈ યોજના નથી." તેણે કહ્યું કે, વિઝા સમાપ્ત થયા બાદ તે 20 ઓગસ્ટે તેના દેશ પરત જશે. અંજુ મારા પરિવારની અન્ય મહિલા સભ્યો સાથે તેમના ઘરમાં અલગ રૂમમાં રહે છે.
નવી દિલ્હીમાં પાકિસ્તાનના હાઈ કમિશન તરફથી મોકલવામાં આવેલા આંતરિક મંત્રાલયના સત્તાવાર દસ્તાવેજ અનુસાર, અંજુને 30 દિવસના વિઝા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ફક્ત અપર ડીર માટે માન્ય છે.
અંજુ ખોટું બોલીને પાકિસ્તાન ગઈ હતીઃ અરવિંદ
બીજી તરફ અંજુના પતિ અરવિંદનું કહેવું છે કે, મારી પત્ની મારી સાથે ખોટું બોલીને ભીવાડીથી પાકિસ્તાન પહોંચી ગઈ છે. તેણે મને કહ્યું કે તે તેના એક મિત્રને મળવા જયપુર જઈ રહી છે. હું 4 દિવસ સુધી વોટ્સએપ દ્વારા તેની સાથે વાત કરતો રહ્યો. પરંતુ રવિવારે મને ખબર પડી કે તે જયપુરમાં નહીં પરંતુ પાકિસ્તાનના લાહોરમાં છે. પહેલીવાર તેણે મારી સાથે ખોટું બોલ્યું જે તદ્દન ખોટું છે. હવે મારા બાળકો જ નક્કી કરશે કે આપણે અંજુ સાથે રહીશું કે નહીં.
પાકિસ્તાનથી ટૂંક સમયમાં ભારત પરત ફરીશઃ અંજુ
અંજુ કહે છે કે હા, મેં પાકિસ્તાન જવા વિશે કોઈને કહ્યું નથી. પરંતુ હું ટૂંક સમયમાં ભારત પરત ફરીશ. તેણે કહ્યું કે હાલમાં તે પેશાવરથી આગળ અપર ડીર વિસ્તારમાં છે અને સુરક્ષિત છે. અંજુએ કહ્યું, “હું અહીં મુલાકાત લેવા આવી છું. મેં તમામ કાયદાકીય ફોર્મેટનું પાલન કર્યું છે. હું બધું પ્લાનિંગ અને તૈયારી કરીને આવી છું અને અહીં મારે અહી એક લગ્નમાં સામેલ થવાનું હતું. હું વાઘા બોર્ડરથી પાકિસ્તાન પહોંચી છું. સૌ પ્રથમ હું ભીવાડીથી દિલ્હી આવી હતી. દિલ્હીથી અમૃતસર પહોંચી અને ત્યારબાદ હું ફરી વાઘા બોર્ડરથી પાકિસ્તાન પહોંચી છું.